
અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રખડતા શ્વાનની સમસ્યાને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. કોર્ટે રખડતા શ્વાનોની હદ એટલે કે ‘ટેરિટરી’ નક્કી કરવા તેમજ શ્વાનને ખોરાક આપતા શ્વાન મિત્રોની પણ ઓળખ કરવા નિર્દેશ આપ્યો હતો.
હાઇકોર્ટે નોંધ્યું હતું કે, શહેરમાં અનેક સ્થળોએ ભિક્ષુકો અને રખડતા શ્વાન સાથે જોવા મળે છે અને તેઓ સાથે જમતા હોવાના કિસ્સા પણ જોવા મળે છે. આ ઉપરાંત મોર્નિંગ વોક માટે નીકળતા કેટલાક લોકો પણ હાથમાં બિસ્કિટ સહિતની ખાદ્ય વસ્તુઓ લઈને નીકળતા હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું.
કોર્ટે સૂચના આપી હતી કે, દરેક વોર્ડમાં રખડતા શ્વાનોની ‘ટેરિટરી’ નક્કી કરવામાં આવે અને તે પ્રમાણે વ્યવસ્થિત રીતે કાર્યવાહી કરવામાં આવે. આડેધડ કામગીરી કરવા કરતાં વૈજ્ઞાનિક અને નક્કર રીતે કામગીરી કરવા પણ હાઇકોર્ટે સૂચના આપી હતી.
સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી સરકારી વકીલે કોર્ટને કામગીરી અંગે માહિતી આપી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે, પ્રાથમિક ધોરણે વસ્ત્રાપુર વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.
દરેક સોસાયટીમાં કેટલા રખડતા શ્વાન છે તેની ગણતરી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેના આધારે કામગીરી હાથ ધરવામાં આવે છે. ચાર લોકોના ગ્રુપ દ્વારા વૈજ્ઞાનિક ઢબે કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ AMC તરફથી કોર્ટને જણાવાયું હતું.
રખડતા શ્વાનના મુદ્દે માત્ર કાર્યવાહી જ નહીં, પરંતુ બાળકોમાં જાગૃતિ લાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી હોવાનું AMC તરફથી જણાવાયું હતું. CNCD વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં જઈને બાળકોને રખડતા શ્વાન અને ગલૂડિયાં અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને રખડતા શ્વાન અથવા ગલૂડિયાં જ્યાં હોય ત્યાં નજીક ન જવા અને સાવચેતી રાખવા માટે બાળકોને સમજાવવામાં આવી રહ્યા છે.
હાઇકોર્ટે સમગ્ર મામલે આડેધડ કાર્યવાહી કરવાને બદલે વ્યવસ્થિત રીતે શ્વાનોની સંખ્યા, તેમની ટેરિટરી અને તેમને ખોરાક આપતા લોકોની ઓળખ કરીને નક્કર કામગીરી કરવા પર ભાર મૂક્યો છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
Published On - 5:08 pm, Fri, 11 September 26