
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ભાજપ સરકારે, ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. નરેન્દ્ર મોદીના સૌથી વધુ દિવસ વડાપ્રધાન પદ પર રહેવાના વિક્રમી દિવસે, ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જૂવારની ખરીદી માટે નક્કી કરાયેલ વજન મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી બાજરી, જુવાર અને મકાઈની વજન મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવેથી રાજ્ય સરકાર પ્રત્યેક ખેડૂત પાસેથી 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ અને 1700 કિલો જુવારની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતના કૃષિ પ્રધાન જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રમણ સોલંકી અને ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો વચ્ચે યોજાયેલ બેઠક બાદ, રાજ્ય સરકારે ટેકેના ભાવે ખરીદવામાં આવનાર બાજરી, જુવાર અને મકાઈના વજન મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી છે.
કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બાજરીની ખરીદી મર્યાદા અગાઉ જે 2,000 કિલો (100 મણ) હતી, તેને વધારીને હવે 3500 કિલો (175 મણ) પ્રતિ ખેડૂત કરવામાં આવી છે.
આ જ રીતે, મકાઈની ખરીદી મર્યાદા પણ 1500 કિલો (75 મણ)થી વધારીને હવે 2500 કિલો (125 મણ) અને જુવારની ખરીદી મર્યાદા 1,000 કિલો (50 મણ)થી વધારીને ખેડૂત દીઠ 1700 કિલો (85 મણ) કરી છે. આમ, રાજ્ય સરકારે બાજરીમાં 1500 કિલો (75 મણ), મકાઈમાં 1000 કિલો (50 મણ) તેમજ જુવારમાં 700 કિલો (35 મણ)નો વધારો કર્યો હોવાની જાહેરાત કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી.
કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે આ નવી નિર્ધારિત ખરીદ મર્યાદા મુજબ ખેડૂતો પાસેથી ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારના આ નવા અભિગમથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચાણ કરી શકશે.