Breaking News: ધોલેરા સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડની ઠગાઈ, જયપુર EDએ નેક્સા એવરગ્રીન ગ્રૂપની ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી !

ધોલેરા સ્માર્ટ સિટીમાં પ્લોટિંગ અને દર અઠવાડિયે 3% વળતરની લાલચ આપી 47 હજારથી વધુ રોકાણકારો સાથે ₹2,676 કરોડનું પોંઝી કૌભાંડ આચરનાર નેક્સા એવરગ્રીન ગ્રૂપ સામે EDએ લાલ આંખ કરી છે. જયપુર EDએ અમદાવાદ, ધોલેરા, ધંધૂકા, સીકર અને ગોવાની કરોડોની મિલકતો એટેચ કરી છે.

Breaking News: ધોલેરા સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડની ઠગાઈ, જયપુર EDએ નેક્સા એવરગ્રીન ગ્રૂપની ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી !
| Updated on: Oct 13, 2026 | 4:45 PM

ગુજરાતના મહત્વાકાંક્ષી ‘ધોલેરા સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટમાં રોકાણના નામે દેશભરના હજારો રોકાણકારો સાથે આચરવામાં આવેલા કરોડો રૂપિયાના પોંઝી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જયપુર ED દ્વારા નેક્સા એવરગ્રીન ગ્રૂપની કુલ ₹34.91 કરોડની જંગમ અને સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે ટાંચમાં (એટેચ) લેવામાં આવી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં જપ્ત કરાયેલી સંપત્તિનો આંકડો આશરે ₹52 કરોડે પહોંચી ગયો છે.

અમદાવાદ, ગોવા અને સીકર સહિત 69 મિલકતો સીલ

ED દ્વારા ટાંચમાં લેવાયેલી સંપત્તિઓમાં ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધૂકામાં આવેલી જમીનો, રેસિડેન્શિયલ પ્લોટ્સ, અમદાવાદ અને રાજસ્થાનના સીકરમાં આવેલા ફ્લેટ્સ તેમજ ગોવાના કલાંગુટ સ્થિત ‘શાઇનિંગ સેન્ડ બીચ રિસોર્ટ’માં 45% શેરહોલ્ડિંગ સહિત કુલ ₹29.37 કરોડ મૂલ્યની 69 સ્થાવર મિલકતો સામેલ છે. આ ઉપરાંત નેક્સા એવરગ્રીન સાથે સંકળાયેલી સંસ્થાઓના 26 બેંક ખાતાઓમાં જમા ₹5.54 કરોડની રોકડ પણ ફ્રીઝ કરવામાં આવી છે.

ગેરંટેડ વળતર અને લક્ઝરી ગિફ્ટ્સની લાલચ આપી જાળ બિછાવી

EDની તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર રણવીર બિજાર્ણિયા અને સુભાષચંદ્ર બિજાર્ણિયા હતા. આરોપીઓએ રોકાણકારોને લાલચ આપી હતી કે તેમના નાણાં ધોલેરા સ્માર્ટ સિટીમાં લેન્ડ ડેવલપમેન્ટ અને પ્લોટિંગ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવામાં આવી રહ્યા છે. રોકાણકારોને 60 અઠવાડિયા સુધી દર અઠવાડિયે 3% ગેરંટેડ વળતર અથવા પ્લોટ આપવાનો દાવો કરાયો હતો. આ સાથે મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) હેઠળ નવા રોકાણકારો લાવવા પર કમિશન તેમજ લેપટોપ, બાઇક અને કાર જેવી મોંઘી ભેટો આપીને વિશાળ નેટવર્ક ઊભું કર્યું હતું.

47 હજારથી વધુ રોકાણકારો ભોગ બન્યા

વર્ષ 2019 થી 2023 દરમિયાન નેક્સા એવરગ્રીન ગ્રૂપ દ્વારા આશરે ₹2,676 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. કંપનીના ડેટા એનાલિસિસ મુજબ, 47,664 રોકાણકારોને તેમની મૂળ મૂડી કરતાં ઓછી રકમ પરત મળી હતી, જેમાં કુલ ₹932.54 કરોડની જંગી ઘટ સામે આવી છે.

આરોપીઓએ કૌભાંડના નાણાં સગેવગે કરવા શેલ કંપનીઓ, એલએલપી અને બોગસ પેઢીઓનું નેટવર્ક ઊભું કર્યું હતું. નવા રોકાણકારોના પૈસાથી જૂના લોકોને વળતર ચૂકવી (પોંઝી સ્કીમ) બાકીની રકમથી પોતાના નામે બેનામી મિલકતો વસાવી હતી. હાલ આ કેસમાં ED દ્વારા વધુ નાણાકીય કડીઓની તપાસ ચલાવવામાં આવી રહી છે.

Breaking news : ધ્રુવ રાઠી સામે જૂના કેસમાં એક્શનની માંગ- ભગવાન રામ વાળા વીડિયો પર શું છે વિવાદ..! કઈ કલમ હેઠળ કેટલી સજા થઈ શકે છે ?

Follow Us
Loading...
Unable to load recommendations.