
અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટનામાં 241 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગના લોકો બળીને ખાખ થઈ ગયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સગાઈ કરવા માટે વતને આવેલા યુવક-યુવતીનું મોત થયું છે. બંને યુવક-યુવતી લંડનથી સગાઈ કરવા માટે વતન આવ્યા હતા. સગાઈ કર્યા બાદ પરત ફરતી વખતે પ્લેન દુર્ઘટના બની હતી. જેમાં સુરતના વિભૂતિ પટેલ અને બોટાદના હાર્દિક અવૈયાનું મોત નિપજ્યું છે.
વિમાન દુર્ઘટનામાં ચિખોદરાના માતા-પુત્રનું પણ મોત થયુ છે. દુષ્યંત પટેલ પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા હતા. ચિખોદરા ગામે માતા એકલા રહેતા હોવાથી તેમને લેવા આવ્યા હતા. માતા-પુત્ર બન્ને દુર્ઘટનાનો ભોગ બનતા પરિવારમાં શોક છવાયો છે.
અમદાવાદ પ્લેન ક્રેસમાં દીવના 11 યાત્રિકના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. દીવના ફૈઝાન રફીકનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થયુ છે. ફૈઝાન રફીકના મોતના સમાચાર મળતા પરિવારમાં ભારે શોક ફેલાયો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. PM રૂમની બહાર પરિવારજનોનું હૈયાફાટ આક્રંદ જોવા મળી રહ્યુ છે. કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહોને લઈ જવાયા છે. DNA સેમ્પલને પણ તપાસ માટે લઈ જવાયા.
એવિએશન સેફ્ટી નેટવર્ક અનુસાર, 2017 થી 2023 દરમિયાન વિશ્વભરમાં કુલ 813 વિમાન અકસ્માતો થયા છે, જેમાંથી લગભગ 14 ટકા અકસ્માતો ટેકઓફ દરમિયાન થયા છે. આનો અર્થ એ થયો કે લગભગ 113 અકસ્માતો ટેકઓફ દરમિયાન થયા છે. આમાં ભારતમાં થયેલા કેટલાક મોટા અકસ્માતોનો પણ સમાવેશ થાય છે, જે ટેકઓફ દરમિયાન થયા હતા. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન અનુસાર, ટેકઓફ દરમિયાન અકસ્માતો ઘણીવાર ટેકનિકલ ખામીઓ (જેમ કે એન્જિન નિષ્ફળતા, પક્ષી અથડામણ અથવા હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી), પાઇલટની ભૂલ, લપસણો રનવે અથવા ખોટા લોડિંગ બેલેન્સને કારણે થાય છે.
Published On - 8:21 am, Fri, 13 June 25