
દેવભૂમિ દ્વારકાના વાડીનાર પોર્ટ પરથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મિડલ ઈસ્ટના દેશમાં યુદ્ધને કારણે વધતા તણાવ વચ્ચે અટકી ગયેલ ઈંધણ, ગેસની હેરફેર ભારત માટે ચિંતાનો વિષય બન્યો હતો. જો કે, હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના એક પછી એક જહાજ ભારત તરફ આવી રહ્યાં છે.
ઈરાન ઈઝરાયેલ યુદ્ધને કારણે ઠપ્પ જેવી હાલતમાં આવી ગયેલ ઈંધણ-ગેસનો પુરવઠો હવે રાબેતા મુજબ થઈ શકશે. યુદ્ધના માહોલમાં ઈરાનની હોર્મુઝ સ્ટ્રેટમાંથી LPGથી ભરેલું “જગ વસંત” નામનું વિશાળ જહાજ વાડીનાર પોર્ટ ખાતે પહોંચી ગયું છે. આ જહાજમાં આશરે 16 હજાર મેટ્રિક ટન LPGનો જથ્થો લાવવામાં આવ્યો છે. જેનાથી દેશના ઘરેલુ ગેસ સપ્લાય માટે જરૂરી પુરવઠો મળી રહેતા, ગેસના વપરાશકારોને મોટી રાહત મળશે.
અમેરિકાએ ભલે યુદ્ધવિરામની જાહેરાત કરી હોય પરંતુ ઈઝરાયેલ અને ઈરાન એકબીજા ઉપર હુમલાઓ કરી રહ્યાં છે. જેના કારણે હાલમાં હોર્મુઝ વિસ્તારમાં તણાવપૂર્ણ અને જોખમી પરિસ્થિતિ ઉદભવી રહી છે. આવી સ્થિતિમાં આ જહાજનું સુરક્ષિત રીતે ભારત તરફ આગમન થવું એ એક મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જગ વસંત જહાજ વાડીનાર પોર્ટથી અંદાજે 10 નોટિકલ માઈલ દૂર એન્કરીંગ કરવામાં આવ્યું છે. પોર્ટ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે અને કામગીરી ઝડપી ગતિએ આગળ વધી રહી છે. એ મહત્વનું છે કે “જગ વસંત” જહાજમાંથી LPGનો જથ્થો “રોઝ” નામના નાના ટગમાં લાદવામાં આવશે, જેથી આગળની સપ્લાય પ્રક્રિયા વધુ સરળતાથી પૂર્ણ કરી શકાય.
આગામી કેટલાક દિવસોમાં પણ આવા જહાજોની હોર્મુઝ સ્ટ્રેટમાંથી અવરજવર ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવા ક્રુડ અને ગેસ લઈને આવતા માલવાહક જહાજના આગમનથી દેશના ગેસ સપ્લાયને વધુ મજબૂતી મળશે અને સામાન્ય જનજીવન પર તેની હકારાત્મક અસર જોવા મળશે.