Breaking News: અમદાવાદના સોલામાં AMCના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં શ્રમિકો ખાબક્યા; ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા AMCના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં કામગીરી દરમિયાન શ્રમિકો ખાબકવાની દુર્ઘટના સર્જાઈ છે. અન્ય શ્રમિકો દ્વારા બે લોકોને બહાર કાઢી લેવાયા છે, જ્યારે ફસાયેલા અન્ય લોકો માટે ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ચાલી રહ્યું છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા AMCના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ખાતે એક અત્યંત ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. HNB એજન્સી હેઠળ કામ કરતા 4 કર્મચારીઓ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઝેરી ગેસ ગળતર થવાને કારણે ગૂંગળામણથી તેઓ બેભાન થઈને સીધા ઊંડા પાણીમાં ખાબક્યા હતા. પાણીમાં ખાબકેલા ચાર વ્યક્તિઓમાં સાઈટ ઇન્ચાર્જ મનોજ, વેલ્ડિંગ વર્કર અભિષેક, સાઈટના પીએમ રૂપેશ અને ગાડી ડ્રાઈવર નિલેશનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને બચાવ ટીમોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. પાણીમાં પડેલા 4 પૈકી 3 લોકોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 2 શ્રમિકોના સારવાર પૂર્વે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હજી પણ પમ્પિંગ સ્ટેશનના ઊંડાણમાં ફસાયેલા ચોથા શ્રમિકને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમ દ્વારા સતત સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
