
અમદાવાદમાં ઇબોલાના શંકાસ્પદ દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. કોંગોથી વડોદરા આવેલા 37 વર્ષીય યુવકને ઇબોલા નહીં પરંતુ ફાલ્સીપારમ મલેરિયા હોવાનું નિદાન થયું છે. જોકે સાવચેતીના ભાગરૂપે યુવકને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખી સારવાર આપવામાં આવી રહી છે.
માહિતી મુજબ, આફ્રિકાના કોંગોથી મુંબઈ અને ત્યારબાદ વડોદરા આવેલા ત્રણ બિઝનેસમેનમાંથી એક યુવકને તાવ, શરદી અને ઉધરસની તીવ્ર ફરિયાદ થતાં મંગળવારે રાત્રે વડોદરાની બેંકર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક તાજેતરમાં કોંગોથી આવ્યો હોવાનું સામે આવતા હોસ્પિટલ તંત્રએ તરત જ આરોગ્ય વિભાગને જાણ કરી હતી.
જે બાદ સાવચેતીના ભાગરૂપે યુવકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા યુવકના સેમ્પલ પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (NIV)માં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં યુવકનો ઇબોલા ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ યુવકને ફાલ્સીપારમ મલેરિયાનું નિદાન થયું હોવાનું તબીબોએ જણાવ્યું છે. જોકે વધુ સ્પષ્ટતા માટે અન્ય ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે.
આ કેસ બાદ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. યુવકના બે મિત્રો તેમજ તેમના સંપર્કમાં આવેલા એક તબીબને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉપરાંત આફ્રિકાના દેશોમાંથી પ્રવાસ કરીને આવેલા કુલ 11 લોકોને હાલ આઇસોલેશન હેઠળ રાખી તેમની તબિયત પર નજર રાખવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે દર્દી છેલ્લા પાંચ દિવસથી વડોદરાની એક હોટલમાં રોકાયો હતો. આ દરમિયાન તે કોના સંપર્કમાં આવ્યો હતો અને ક્યાં-ક્યાં ગયો હતો તેની પણ વિગતવાર તપાસ હાથ ધરાઈ રહી છે.
બીજી તરફ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ સતર્કતા વધારી દેવામાં આવી છે અને આફ્રિકાના દેશોમાંથી આવતા મુસાફરોનું સઘન મેડિકલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- Breaking News : અમદાવાદમાં મોકા કેફેમાં કોફીમાંથી નીકળી જીવાત, રસોડામાં વંદાઓનું સામ્રાજ્ય જોઈ ગ્રાહકોનો પિત્તો ગયો, જુઓ Video