
ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્વારા SIR અંતર્ગત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા, જ્યારે ભાજપ તરફથી વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી હાજર રહ્યા હતા.
ગોપાલ ઇટાલિયા એ બેઠક બાદ જણાવ્યું કે, વારંવાર પૂછવામાં આવ્યું કે, SIR અંતર્ગત કેવી રીતે નિરાકરણ લાવશો તો ગોળ ગોળ જવાબ મળ્યા. ટૂંકમાં કહીએ તો, વારંવાર પૂછવા છતાં ચૂંટણી પંચ તરફથી SIR અંગે સ્પષ્ટ જવાબ મળી નથી. તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર છે અને વોટની ચોરી ન થાય તે માટે ખાસ ધ્યાન રાખશે.
બીજીબાજુ ચૈતર વસાવાએ જણાવ્યું કે, એક મહિનાની અંદર SIRની કામગીરી પૂર્ણ થવી મુશ્કેલ છે. નવી યાદી બનાવવાની વાત ચાલી રહી છે પરંતુ ચૂંટણી પંચ આ બાબતે ગંભીર દેખાતું નથી. વધુમાં, મજૂરી માટે બહાર ગયેલા લોકોના વોટ ચોરાઈ જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું કે, આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગઈકાલે મુખ્ય ચૂંટણી પંચે જે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તેમાં ગુજરાતનો પણ સમાવેશ હતો. આજની બેઠકમાં SIR પ્રક્રિયા અંગે તમામ પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને અનેક પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચે જણાવ્યું કે, કોઈ મતદાર યાદીમાંથી છટકી ન જાય અને કોઈ મતદાન વ્યક્તિ રહી ન જાય તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. બિહાર પછી હવે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓ અપડેટ કરવામાં આવશે તેવી જાહેરાત ચૂંટણી પંચે કરી છે.
Published On - 7:06 pm, Wed, 29 October 25