
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક પછી એક ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સક્રિય રહેલા નારણ રાઠવાએ કોંગ્રેનો પક્ષ છોડી દીધો છે અને ભાજપને સાથ આપવાનું પસંદ કર્યુ છે. નારણ રાઠવાએ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો પૂર બહારમાં ખીલ્યો છે, અને આ ભરતી મેળામાં પૂર્વ પટ્ટીનો સૌથી મોટો આદિવાસી ચહેરો ગણાતા નારાણ રાઠવાનું નામ પણ જોડાઇ ગયુ છે. નારણ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામ સહિત સમર્થકો સાથે કેસરિયા કર્યા છે. જનતા દળથી શરૂ થયેલી નારણ રાઠવાની રાજનીતિએ આખરે 2024માં યુટર્ન લીધો છે.
નારણ રાઠવા છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સક્રિય રહ્યા છે. આ સમયગાળમાં તેઓએ 6 વાર સાંસદ બન્યા, એકવાર રાજ્યકક્ષાના રેલવે પ્રધાન પણ રહ્યા. પ્રાયોજના વહીવટદાર તરીકેની નોકરી છોડીને રાજકારણમાં આવેલા રાઠવા, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા હતી.
રાઠવાની માગ હતી કે તેમના પુત્ર સંગ્રામ રાઠવાને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે. જોકે રાઠવાની માગ પૂર્ણ નહીં થાય તેવા સંકેત મળતા આખરે આજે કમલમ ખાતે નારણ રાઠવાએ કોંગ્રેસને રામરામ કહીને, કેસરિયા કર્યા છે. રાઠવાનો આરોપ છે કે કોંગ્રેસમાં હોવાથી તેઓના વિસ્તારના વિકાસના કામોમાં અડચણ આવતી હતી.
નારણ રાઠવાના પુત્ર અને બરોડા ડેરીના ડિરેક્ટર એવા સંગ્રામ રાઠવાએ પણ પિતા સાથે ભાજપનો ભગવો ધારણ કર્યો. નારણ રાઠવાએ કોંગ્રેસ પાસે પુત્ર માટે લોકસભાની ટિકિટ માગી હતી, જોકે ઇરાદો પાર ન પડતા કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો, ત્યારે સંગ્રામ રાઠવાએ ભાજપના વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઇને કેસરિયા કર્યાની વાત કરી.જોકે ચૂંટણી લડવા મુદ્દે સંગ્રામે મૌન ધારણ કર્યું અને પક્ષ કહે તેમ કરવાની વાત કરી.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ 26નું મિશન પાર પાડવા એડીચોટીનું જોર લગાવી રહી છે. મહદઅંશે આ મિશનમાં ભાજપને મોટી સફળતા પણ હાથ લાગી રહી છે, પરંતુ કોંગ્રેસ માટે આ કરો યો મરોની સ્થિતિ છે. પૂર્વ પટ્ટીમાં કોંગ્રેસના અસ્તિત્વ સામે જોખમ સર્જાયું છે, તો મોટા નેતાઓની ગેરહાજરીમાં કોંગ્રેસ હજી કેટલી તૂટે છે તેના પર સૌની નજર મંડાઇ છે.
Published On - 12:41 pm, Tue, 27 February 24