ભૂપેન્દ્ર પટેલની 26ની નવી ટીમ, જૂના જોગી ઉપર મદાર રાખવાની સાથેસાથે 15 નવા ચહેરાને બનાવ્યા પ્રધાન

ગુજરાતમાં આજથી ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર અસ્તિત્વમા આવી છે. આ સરકારમાં કુલ 26 સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જૂના મંત્રીમંડળના 4 સભ્યો, 2ને પ્રમોશન, ભૂતકાળની સરકારોમાં પ્રધાન રહી ચૂક્યા હોય તેવા 4 સભ્યો અને બાકીના નવા ચહેરાને પ્રધાન બનાવ્યા છે.

ભૂપેન્દ્ર પટેલની 26ની નવી ટીમ, જૂના જોગી ઉપર મદાર રાખવાની સાથેસાથે 15 નવા ચહેરાને બનાવ્યા પ્રધાન
| Edited By: | Updated on: Oct 17, 2025 | 3:19 PM

ગુજરાતમાં આજથી નવા અસ્તિત્વમાં આવેલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં, જૂના જોગી ઉપર મદાર રાખવાની સાથેસાથે 15 નવા ચહેરાને ટીમ 26માં સ્થાન આપવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારના 4 પ્રધાનો, 2 ને પ્રમોશન આપવા ઉપરાંત અગાઉની સરકારોમાં પણ પ્રધાન રહી ચૂકેલા 4 વરિષ્ઠોને સ્થાન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત બાકીના 15 નવા ચહેરાને પ્રધાન બનાવ્યા છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં.

આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી  ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12  મંત્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં.
કેબિનેટ મંત્રી તરીકે જીતેન્દ્રભાઈ વાઘાણી, નરેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્નભાઇ  વાજા અને રમણભાઈ સોલંકીએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.
રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલ,  પ્રફુલ્લભાઇ પાનસેરીયા તથા શ્રીમતી મનિષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.
જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાંતિભાઈ અમૃતિયા, રમેશભાઈ કટારા, શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, કૌશીકભાઈ વેકરીયા,  પ્રવિણકુમાર માળી, ડૉ. જયરામભાઈ ગામીત,  ત્રિકમભાઈ છાંગા,  કમલેશભાઈ પટેલ, સંજયસિંહ મહિડા, પી.સી. બરંડા, સ્વરૂપજી ઠાકોર અને શ્રીમતી રિવાબા જાડેજાએ રાજ્યપાલ સન્મુખ શપથ ગ્રહણ કર્યા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબનેટ મંત્રીઓ કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજી  બાવળીયા તથા રાજ્યકક્ષાના પરષોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યાં છે.

આ શપથ વિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સી. આર. પાટીલ, સાંસદ સભ્યો, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ અગ્રણીઓ, પ્રમુખ સાધુ સંતો અને સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો