Bhavnagar: ભાવનગરમાં નવા પોલીસ મથક ઇમારતનો લોકાર્પણ સમારોહ, અમિતશાહ, ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની વર્ચ્યુલ હાજરીમાં યોજાયો
ભાવનગર શહેરના ભરતનગર ખાતે નવનિર્મિત ભરતનગર અર્બન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેદ્ર પટેલ અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
Bhavnagar: ભાવનગર શહેરના ભરતનગર ખાતે નવનિર્મિત ભરતનગર અર્બન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union HM Amit Shah), મુખ્યમંત્રી ભુપેદ્ર પટેલ અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યકર્મમાં ભાવનગર યુવરાજ સાહેબ જયવીરરાજ સિંહજી ગોહિલ પણ જોડાયા હતા.
ભાવનગર ભરતનગર વિસ્તારમાં ગુનાખોરીના દુષણને ડામવા માટે ભરતનગર વિસ્તારમાં સૌપ્રથમ પોલીસ ચોકી ચાલુ કરવામાં આવી હતી ત્યારબાદ 2017-18ના વર્ષમાં ગૃહ વિભાગ દ્વારા નવા પોલીસ સ્ટેશનની મંજૂરી અપાતા ભાવનગર ઈ-ડિવિઝન શરૂ કરાયું હતું. ત્યારબાદ તેનું નામકરણ કરી અને ભરતનગર પોલીસ સ્ટેશન કરવામાં આવ્યું હતું. જોકે ભરતનગર પોલીસ સ્ટેશન ભરતનગર વિસ્તારમાં ટૂંકી જગ્યામાં હોવાના કારણે જ્યાં કામગીરીમાં ઘણો વિક્ષેપ પડી રહ્યો હતો. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા ભરતનગર વિસ્તારમાં નવું પોલીસ સ્ટેશન બનાવવા માટેની મંજૂરી આપવામાં આવતા આ વિસ્તારમાં 1.36 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું આજે દેશના ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા, જ્યારે ભાવનગર ખાતે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગરના સાંસદ અને પાર્ટીના ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય વિભાવરીબેન દવે અને ભાવનગર પોલીસ વડા રવિન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. જોકે આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ હોય જેના આમંત્રણ કાર્ડમાં ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યોના નામ લખવામાં આવ્યા હતા જ્યારે તળાજાના કોંગ્રેસના ધારાસભ્યનો કાર્ડમાં નામ ન હોવાના કારણે કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ સોશિયલ મીડિયામાં આ આમંત્રણ કાર્ડ વહેતો મૂકી અને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો.