ભાવનગરના ઘોઘામાં પાક નુકસાનીના ઓનલાઈન સરવેનો ખેડૂતોએ કર્યો બહિષ્કાર, તાત્કાલિક સહાય ચુકવવાની કરી માગ- Video

ભાવનગરના ઘોઘામાં પાક નુકસાનીના ઓનલાઈન સરવેનો ખેડૂતોએ બહિષ્કાર કર્યો છે. ઘોઘાના લાકડિયા ગામના ખેડૂતો ઓનલાઈન સરવેનો વિરોધ કરી રહ્યા છે. અધિકારીઓની ટીમ દ્વારા ખેતરોની મુલાકાત લઈને સરવે કરવાની માગ ખેડૂતો કરી રહ્યા છે

| Edited By: | Updated on: Nov 03, 2025 | 5:04 PM

રાજ્યભરમાં દિવાળી બાદ ત્રાટકેલા માવઠાએ ખેડૂતોના પાકને સંપૂર્ણપણે ધોઈ નાખ્યો છે. ધરતીપુત્રોએ વાવેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોના હાથમાં કંઈ જ બચ્યુ નથી. ત્યારે ખેડૂતો ભારે નુકસાનીનો માર જેલી રહ્યા છે. આવા સંજોગોમાં સરકાર પણ જાણે ખેડૂતોની કસોટી કરતી હોય તે પ્રમાણે ઓનલાઈન સરવે કરાવી રહી છે. હકીકતમા સેંકડો ખેડૂતો એવા છે જેઓ સાદો ફોન વાપરતા હોય છે. તેઓને GPRS એપ થકી ખેતરોમાં નુકસાનીના ફોટો મોકલવા જણાવાયુ છે. આ ખેડૂતો એટલા ટેકનોસેવી નથી ના તો તેમની પાસે સ્માર્ટ ફોન હોય છે. તો તેમને ફોટો મોકલવા માટે બીજા પર આધારીત રહેવુ પડે તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં ખેડૂતો ઓનલાઈન સરવેનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માગ છે કે સરકાર અધિકારીઓની ટીમ મોકલીને તાત્કાલિક ફિઝિકલ સરવે કરે અને તેમને તાત્કાલિક સહાય ચુકવે. જો તેમને ઝડપથી સહાય નહીં મળે તો રવિ પાક લેવાનો સમય પણ હાથમાંથી નીકળી જશે.

કમોસમી વરસાદને કારણે ભાવનગર જિલ્લાના ખેડૂતોને ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબિન અને ડુંગળીના પાકને મોટુ નુકસાન થયુ છે. જિલ્લામાં ખેતરે ખેતરે ખરખરા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. મોટા સીમંત ખેડૂતો હોય કે નાના ખેડૂતો દરેકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આવા સમયે ખેડૂતો માટે એકમાત્ર સરકારી સહાયનો જ આધાર રહ્યો છે. ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર પણ સરવેના નાટક કરીને તેમની મુશ્કેલી વધારી રહી છે. હજુ સુધી સહાય ન મળતા રોષે ભરાયેલા ખેડૂતો આવતીકાલે મામલતદાર કચેરીએ ધરણા યોજી લોન માફી અને તાત્કાલિક સહાયની માગ કરશે.

ભાવનગરના લાકડીયા અને આસપાસના ગામોના ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં ખેડૂતો દ્વારા એકત્ર થઈને સરકારના ઓનલાઈન સરવેના બહિષ્કારનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માવઠાથી મહુવા, તળાજા, ઘોઘા અને શિહોરના ગામોના ખેડૂતોને નુકસાન થયુ છે. જેથી ઓફલાઈન સરવે કરી તાત્કાલિક સહાય ચૂકવાય તેવી ખેડૂતોએ માગ કરી છે.

કુદરતના કોપ સામે જગત આખાનું પેટ ભરનાર જગતનો તાત પણ લાચર છે. ત્યારે સરકારે સર્વે કરી સહાયની વાત તો કરી છે. પરંતુ તમામ ખેડૂતો ઓનલાઇન સર્વે નહિ પણ ઓફલાઇન સર્વે કરવા માગ કરી રહ્યા છે. સાથે આવી વિકટ સ્થિતિમાં સરકાર સહાય નહીં લોન માફી કરી આપે તેવી માગ ઉઠી છે.

SRK @60: દિલ્હીની ગલીઓથી કરોડો લોકોના દિલો પર રાજ કરનારા કિંગ ખાનની 60 વર્ષની અનોખી યાત્રા

Published On - 5:02 pm, Mon, 3 November 25