બજેટમાં સ્ક્રેપ પોલિસી જાહેર કરી
આ વર્ષના કેન્દ્રીય બજેટમાં નવી સ્ક્રેપીંગ પોલિસી જાહેર કરવામાં આવી છે, જેમાં 20 વર્ષ જૂના વાહનો અને 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનો માટે સ્વૈચ્છિક સ્ક્રેપીંગ નીતિ જાહેર કરવામાં આવી છે. આ નીતિ ઓટોમોબાઈલ ઉદ્યોગો અને ગ્રાહકો માટે ફાયદાકારક બની શકે છે. આ નવી સ્ક્રેપ પોલિસીનું અમીલકરણ આવતા વર્ષથી શરૂ થવાની શક્યતા છે. સ્ક્રેપ પોલિસી અંતર્ગત આવા પેસેન્જર વાહનો કે જે 20 વર્ષ જૂના અને 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનો હશે તેને કાઢી નાખવા પર ભાર આપવામાં આવશે.
શિપ બ્રેકિંગ યાર્ડ નજીક સ્ક્રેપીંગ પાર્ક બનશે
ભાવનગરમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડ જ્યાં વિશ્વભરના જહાજોને તોડવા માટે લાવવામાં આવે છે, તેની નજીક એક વાહન સ્ક્રેપીંગ પાર્ક બનવવામાં આવી શકે છે. આ પાર્કના નિર્માણ બાદ અલંગમાં જે રીતે જહાજો તોડવામાં આવી રહ્યાં છે, તે જ રીતે વાહનોને પણ ભાંગવામાં આવશે.
શા માટે ભાવનગરની પસંદગી ?
ભવનાગરમાં એશિયાનું સૌથી મોટું અલંગ શિપબ્રેકિંગ યાર્ડ છે. અહી દર વર્ષે દુનિયાભરમાંથી હજારો ટનના દરિયાઈ જહાજોનું ભંગાણ કરવામાં આવે છે. આ જહાજોના ભાંગવાથી નીકળતા ભંગારને ભાવનગરમાં આવેલી અનેક રોલિંગ મિલોમાં જાય છે અને રૂપાંતર થઈને નવું મટીરીયલ બને છે. ભાવનગરમાં અનેક રોલિંગ મિલો હોવાથી જહાજના સ્ક્રેપની જેમ વાહનોના સ્ક્રેપનું રીસાયકલીંગ કરવું સરળ પડશે. આ મુખ્ય કારણથી જ દેશના પ્રથમ વાહન સ્ક્રેપીંગ પાર્ક માટે ભાવનગરની પસંદગી કરવામાં આવી હોઈ શકે છે.
રિસાયક્લિંગને પ્રોત્સાહન સાથે રોજગારીનું સર્જન
ગુજરાત સરકાર આ માટે ઘણી તૈયારીઓ કરી રહી છે. આ સ્ક્રેપીંગ પાર્કની સ્થાપના સાથે ગુજરાતમાં રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટને વેગ મળશે. સ્ક્રેપને વધુ સારી રીતે રિસાયકલ કરી શકાશે અને રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે. આ સ્ક્રેપીંગ પાર્કથી હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે.
આ પણ વાંચો : RAJKOT : 20 માંથી 6 જળાશયોમાં સિંચાઇ માટે પુરતું પાણી, 100 ગામોને પાણી આપી શકાય તેટલો પાણીનો જથ્થો