ભાવનગરમાં ભાજપની ભાજગંડ : પૂર્વ મેયરની ભાજપા કાર્યાલમાંથી કરાઈ હકાલપટ્ટી ! જુઓ વીડિયો
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી ટાણે જ ભાજપની આતંરિક લડાઈ જગજાહેર થઈ છે. શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી પૂર્વ મેયરને બહાર કાઢવામાં આવ્યા હોવાનો કિસ્સો ભાવનગરમાં બન્યો છે. આનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી ટાણે જ ભાજપની આતંરિક લડાઈ જગજાહેર થઈ છે. શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી પૂર્વ મેયરને બહાર કાઢવામાં આવ્યા હોવાનો કિસ્સો ભાવનગરમાં બન્યો છે. આનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડને ત્રણ જણા સમજાવીને પીઠ પર હાથ રાખીને કાર્યાલયમાંથી બહાર જવા જણાવે છે. જો કે આ વિવાદનો વીડિયો જાહેર થતા, ભરત બારડે ટીવી9ને આવી કોઈ ઘટના જ બની ના હોવાનુ કહીને પાર્ટીની અને પોતાની આબરુ સાચવવાનો પ્રયાસ કર્યો છે.
સમગ્ર ગુજરાતમાં હાલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર ભરત બારડ કોઈક કારણોસર ભાજપ કાર્યાલયે પહોચે છે. જ્યાં તેઓ થોડા ગુસ્સામાં કાર્યાલયની એક ઓફિસ તરફ જાય છે. જો કે દરવાજો ખોલે તે પહેલા જ ત્રણ લોકો આવી ચડે અને અને ત્યાં ભરત બારડ સાથે વાતચીત કરે છે. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે.
આ વાયરલ વીડિયોમાં ભરત બારડ કોઈ વ્યક્તિ સાથે ગુસ્સામાં વાત કરે છે પરંતુ બીજી વ્યક્તિ તેમની પીઠ પર હાથ રાખીને કાર્યાલયમાંથી બહાર જવા માટે જણાવતા હોય તેમ લાગે છે. જો કે એવી એક વાત સામે આવી છે કે, ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડ, ભાવનગરના શહેર પ્રમુખને કોઈ બાબતે ફરિયાદ કરવા જતા હતા તે સમયે ભાજપના મહામંત્રી મુકેશ ડાભી સાથે ભરત બારડને ચડભડ થાય છે. મેયરે આ સમયે એવા શબ્દો ઉચ્ચાર્યા હોવાનું કહેવાય છે કે, પાર્ટી કોઈના બાપની નથી. અમે પક્ષને ઉભો કર્યો છે. કોઈ પાર્ટીને ગણતુ કે પુછતુ નહોતુ ત્યારે પોલીસની લાકડીઓ બરડે ખાધી છે.
જો કે, આ સમગ્ર મામલે ટીવી9 ગુજરાતીએ ભરત બારડનો ટેલિફોનીક સંપર્ક કર્યો ત્યારે તેમણે આવી કોઈ ઘટન બની હોવાનો ઈન્કાર કર્યો હતો. સ્વાભાવિક છે કે, જો પાર્ટી ઉભી કરનારા કહે કે હા વિવાદ હતો તો પક્ષ અને તેમની આબરુ ના રહે તેથી શિસ્તબદ્ધ પક્ષના શિસ્તમાં રહેલા કાર્યકર તરીકે ભરત બારડે, વાયરલ થયેલા વીડિયો અને સામે આવેલ ઘટનાની વિગતોનો સતત ઈન્કાર કર્યે રાખ્યો હતો.