ભરૂચ(Bharuch)ની નર્મદા ચોકડી નજીકથી મુંબઈના ઉદ્યોગપતિ અને મહાવીર મીનરલ્સના કંપનીના માલિક અપૂર્વ શાહને જીપ્સમની ડીલના બહાને બોલાવી અપહરણ(Kidnapping) કરી રૂપિયા 15.48 લાખની લૂંટ(Robbery)ના મામલામાં પોલીસે મુખ્ય આરોપી ભીમસિંગની ધરપકડ કરી છે. પૈસા તંગી દૂર કરવા ભીમાએ હરિયાણાના હિસ્ટ્રીશીટર ગુનેગાર આઝાદસિંગ સાથે મળી અપૂર્વ પાસેથી નાણાં પડાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. કાવતરા મુજબ ભરૂચની નર્મદા ચોકડીથી અપૂર્વને તેની જ કારમાં વડોદરા જીપ્સમની ડીલના બહાને લઈ જઈ પોર પાસે આઝાદસિંગ અને અન્ય 5 સાગરીતો સાથે મળી દેશી પિસ્તોલની અણી એ રોકડા 15.48 લાખની લૂંટ ચલાવી હતી.
ભરૂચના એએસપી વિકાસ સૂંડાના જણાવ્યા અનુસાર આરોપી ભીમસિંગે પહેલા વિશ્વાસ જીતી બાદમ કાવતરાને અંજામ આપ્યું હતું. આરોપીઓની ગણતરી ૫૦ લાખ કરતા વધુ રકમ પડાવી લેવાની હતી જોકે ૧૫ લાખ ઉપરાંતની મત્તા પડાવી લેવામાં સમય અને જોખમ વધુ જતા તેઓ આ રકમ લઈ ફરાર થઇ ગયા હતા.
ભરૂચ ડીવાયએસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પી.આઈ. ડી.પી. ઉનડકટ અને પોસઇ નરેશ ટાપરિયા સહિત ટીમે મુખ્ય આરોપી ભીમસીંગ સોરેન ઉર્ફે ભીમો માનસીંગ ચોરાનને રાજસ્થાનના ચરૂથી દબોચી લીધો છે. આરોપીને ભરૂચ લાવી પૂછપરછ કરવામાં આવતા અન્ય સાગરીતોની વિગતો મેળવી તેમની ધરપકડ માટે ટુકડીઓ રવાના કરવામાં આવી છે.
મૂળ મુંબઈના ઉદ્યોગપતિ અપૂર્વ શાહ જિપ્સમના વેપાર સાથે સંકળાયેલા છે. છેલ્લા કેટલાક સમયથી તેમના ક્ષેત્રમાં રો મટીરીયલની અછત હોવાથી મોટાભાગે કાચા માલ માટે સ્થાનિક દલાલો ઉપર આધાર રાખવો પડે છે. જિપ્સમના દલાલ ભીમસીંગ સોરેન ઉર્ફે ભીખો ૮-૯ મહિનાથી અપૂર્વના સંપર્કમાં હતો. સમયાંતરે ભીમસીંગ રો મટીરીયલ બતાવતો પણ તેની ગુણવત્તા ખુબજ ખરાબરહેતી હોવાથી બંને વચ્ચે ક્યારેય ડીલ શક્ય બની ન હતી.
ભીમસીંગ રો મટીરીયલ બતાવવા વડોદરા જવાનું કહેતા ૧૩ એપ્રિલે અપૂર્વ પોતાની ક્રેટા કાર લઈ નર્મદા ચોકડી પહોંચ્યા હતા. અહીં ભીમસીંગ અને તેનો અન્ય એક સાથી કારમાં વડોદરા જવા નીકળ્યા હતા કરજણ નજીક એક બોલેરો કાર આવી હતી . અપૂર્વ કઈ સમજે તે પૂર્વે ભીમસિંગના સાગરીતે તમંચો કાઢી અપૂર્વના પેટ પાસે અડાવી દઈ પાછળની સીટ ઉપર આવવા જણાવી દીધું હતું. બોલેરોમાંથી બે શકશો આવી અપૂર્વની આસપાસ બેસી ગયા હતા અને બે કાર પોર નજીક એક અવાવરું વિસ્તારમાં પહોંચી હતી. આ બાદ ટોળકીએ ૧૫.૪૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા.