Breaking News : ગુજરાતના કેમિકલ કેપિટલ પર ક્રૂડ ક્રાઇસિસનો કાળો કહેર! શું હવે મંદી ભરડો લેશે?

ભરૂચ : એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર GIDC સહિત પાનોલી, ઝઘડિયા, વાગરા અને દહેજના ઔદ્યોગિક પટ્ટા પર પેટ્રોલ-ડીઝલ અને CNGના સતત વધતા ભાવની સીધી અસર જોવા મળી રહી છે.

Breaking News : ગુજરાતના કેમિકલ કેપિટલ પર ક્રૂડ ક્રાઇસિસનો કાળો કહેર! શું હવે મંદી ભરડો લેશે?
Crude Crisis Hits Gujarat’s Chemical Capital
| Updated on: May 26, 2026 | 1:14 PM

ભરૂચ : એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર GIDC સહિત પાનોલી, ઝઘડિયા, વાગરા અને દહેજના ઔદ્યોગિક પટ્ટા પર પેટ્રોલ-ડીઝલ અને CNGના સતત વધતા ભાવની સીધી અસર જોવા મળી રહી છે. મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ સંકટને કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ સપ્લાય ચેઇન ખોરવાતા ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 11 દિવસમાં ગુજરાતમાં પેટ્રોલમાં અંદાજે ₹7.5 થી ₹8 પ્રતિ લિટર અને ડીઝલમાં ₹7થી વધુનો વધારો નોંધાયો છે.

કન્ટેનર ભાડામાં 18% વધારો

કેમિકલ એક્સપોર્ટર મહેશ પટેલ અનુસાર ગોલ્ડન કોરિડોરનો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો મોટાભાગનો વ્યવહાર મુંબઈ સ્થિત નજવાહ્રરલાલ નહેરુ પોર્ટ થકી થાય છે. આ ભાવવધારાનો સૌથી મોટો ફટકો મુંબઈ પોર્ટથી આવતાં અને ત્યાં રવાના થતા કન્ટેનર ટ્રાન્સપોર્ટને પડ્યો છે. એક મહિના પહેલાં મુંબઈ પોર્ટથી અંકલેશ્વર સુધી 20 ફૂટ લાંબા કન્ટેનર લાવવા અંદાજે ₹34,000 થી ₹36,000 ખર્ચ થતો હતો જે હાલ ₹39,000 થી ₹42,000 સુધી પહોંચી ગયો છે. એટલે પ્રતિ ટ્રિપ ₹5,000થી ₹6,000નો વધારો સહન કરવો પડે છે. ઘણા ટ્રાન્સપોર્ટરો દ્વારા ઈંધણના ભાવ વધારાની સામે ૧૫% થી ૧૮% સુધીનો નૂર વધારો ઝીંકવામાં આવતા ઉદ્યોગકારોનું બજેટ ખોરવાયું છે. દૈનિક ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતા લાર્જ સ્કેલ યુનિટના આંકડા જોઈએતો આ ઉદ્યોગો માટે માસિક ટ્રાન્સપોર્ટ ખર્ચમાં 5 લાખ સુધીનો વધારાનો બોજો સર્જાયો છે.

ક્રૂડ સંકટથી ઉત્પાદન પ્રભાવિત

અગ્રણી કેમિકલ મેન્યુફેક્ચરર અનિષ પરીખના જણાવ્યા અનુસાર અંકલેશ્વર-પાનોલી પટ્ટામાં ડાયઝ, પિગમેન્ટ્સ, ફાર્મા ઇન્ટરમીડિયેટ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ અને સોલ્વન્ટ્સનું ઉત્પાદન થાય છે. ઝઘડિયામાં એગ્રીકેમિકલ્સ અને API મેન્યુફેક્ચરિંગ, જ્યારે દહેજ અને વાગરા વિસ્તારમાં પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ, મેથનોલ, એસિટિક એસિડ, કાસ્ટિક સોડા અને ઇન્ડસ્ટ્રીયલ ગેસિસનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદનો માટે ક્રૂડ આધારિત રો મટીરીયલ સાઉદી અરેબિયા, UAE, કતાર અને સિંગાપોરથી આયાત થાય છે જ્યારે નિકાસ અમેરિકા, યુરોપ, ચીન, બ્રાઝિલ અને આફ્રિકન દેશોમાં થાય છે.

એક નજર ઇંધણના ભાવની તેજી પર

મેં મહિનામાંજ પેટ્રોલમાં અંદાજે ₹7.5 થી ₹8 પ્રતિ લિટર અને ડીઝલમાં ₹7થી વધુનો વધારો નોંધાયો છે

તારીખ  પેટ્રોલ  ડીઝલ
May 1 94.84 90.51
May 15 97.43 93.26
May 26 101.81 97.92

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ કહ્યું હતું કે  ઉત્પાદન કિંમત પર ઘણી માઠી અસર પડી રહી છે. ઔદ્યોગિક સર્વે અને આર્થિક રિસર્ચ અનુસાર, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં પાવર, ફ્યુઅલ અને લોજિસ્ટિક્સનો હિસ્સો મોટો હોય છે. ઈંધણ મોંઘું થવાના કારણે ઉદ્યોગોની એકંદર ઉત્પાદન કિંમતમાં ૧૨% થી ૧૫% નો સીધો વધારો નોંધાયો છે. ડીઝલ અને અન્ય ક્રૂડ આધારિત ફ્યુલથી બોઈલર અને પાવર બેકઅપ પ્લાન્ટ ચલાવતા ઉદ્યોગો પર વધારાનું આર્થિક ભારણ આવ્યું છે. ક્રૂડ ઓઈલ આધારિત બેઝિક રો-મટીરીયલ્સ (જેવા કે બેન્ઝીન, ટોલ્યુઇન, સોલ્વન્ટ્સ) ના ભાવમાં ૨૦% સુધીનો ઉછાળો આવ્યો છે, જેના કારણે વર્કિંગ કેપિટલની તંગી સર્જાઈ છે.

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોના આંકડા

  • અંકલેશ્વર – 1500
  • પાનોલી – 500
  • ઝઘડિયા – 400
  • દહેજ PCPIR/SEZ – 450
  • વાગરા-વિલાયત-નર્મદાનગર ઝોન – 300

મિડલ ઈસ્ટમાં જહાજ માર્ગો પ્રભાવિત થતા આયાતમાં વિલંબ અને ફ્રેઇટ ચાર્જમાં 12થી 20 ટકાનો વધારો નોંધાયો છે. ડીઝલ આધારિત પ્લાન્ટ ચલાવતા એકમો માટે વીજ ખર્ચમાં પણ 10થી 18 ટકા વધારો થવાની શક્યતા છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે આ સ્થિતિ યથાવત રહી તો કુલ ઉત્પાદન કિંમતમાં 8થી 15 ટકા સુધીનો વધારો થઈ શકે છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ગુજરાતના કેમિકલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા અસરગ્રસ્ત બનશે.

કેમિકલ નિકાસમાં ભરૂચનું 19% યોગદાન

ભરૂચ કુલ કેમિકલ નિકાસમાં લગભગ 19% યોગદાન આપે છે. ભરૂચ જિલ્લો દર વર્ષે અંદાજિત કુલ રૂપિયા 1.15 લાખ કરોડથી 1.25 લાખ કરોડનો આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે

  • વાર્ષિક નિકાસ : અંદાજે 6 થી 8 બિલિયન ડોલર મુજબ આશરે 54000 કરોડ થી 62000 કરોડ રૂપિયા
  • વાર્ષિક આયાત : અંદાજે 8 થી 10 બિલિયન ડોલર મુજબ આશરે 66000 કરોડ થી 78000 કરોડ રૂપિયા છે

આવનારો સમય વધુ વિકટ બનવાની ભીતિ

આવનારો સમય વધુ વિકટ બનવાની સંભાવના નકારી શકાતી નથી. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે Red Sea નો દરિયાઈ માર્ગ પ્રભાવિત થયો છે જેના લીધે એક્સપોર્ટ કન્ટેનરના ભાડાં પહેલેથીજ આસમાને છે. હવે સ્થાનિક સ્તરે પણ પેટ્રોલ-ડીઝલ મોંઘા થતા ઉદ્યોગકારો બેવડી માર સહન કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજાર રાહત નહિ આપે તો અંકલેશ્વર અને ભરૂચના અનેક નાના અને મધ્યમ કક્ષાના (MSME) પ્લાન્ટ્સ આંશિક બંધ કરવા પડે તેવી ભીતિ ઉદ્યોગ જગત વ્યક્ત કરી રહ્યું છે.ઉદ્યોગકારોનું માનવું છે કે જો આગામી સપ્તાહોમાં ક્રૂડ બજાર સ્થિર નહીં બને તો અંકલેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસ પર ગંભીર અસર પડી શકે છે.

ભરૂચ જિલ્લામાંથી મુખ્યત્વે ડાયઝ, પિગમેન્ટ્સ, કેમિકલ્સ, ફાર્મા એપીઆઇ , એગ્રોકેમિકલ્સ અને ટાયર્સની નિકાસ થાય છે તો સામે દહેજ પોર્ટ પર કેમિકલ ટર્મિનલ હોવાથી અને ઉદ્યોગો માટે ક્રૂડ ઓઇલ, લિક્વિડ કેમિકલ્સ, નેચરલ ગેસ (LNG) અને સ્પેશિયાલિટી કેમિકલ્સ મોટા પાયે આયાત થાય છે.

આ પણ વાંચો : Breaking News : ફ્રેન્ચાઈઝીના બહાને ત્રિપુટીએ રોકાણકારોને લાખોમાં નવડાવ્યા – મહિલા સહીત બે ઠગ મળી આવ્યા, મુખ્ય સૂત્રધાર હજુ ફરાર

Published On - 1:03 pm, Tue, 26 May 26

Follow Us