હાલમાં તહેવારોની સીઝન(Festive season) ચાલી રહી છે. નવરાત્રી બાદ હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. મુખ્ય તહેવારના કારણે બજારમાં ખરીદી સહિતની હલચલ વધુ જોવા મળતી હોય છે. નાણાકીય વ્યવહાર વધવાના કારણે ગુનાહિત તત્વો પણ સક્રિય બની જતા હોય છે. તહેવારો દરમ્યાન ગુના અટકાવવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. તહેતરમાં અંકલેશ્વરના સારંગપુર ગામ અને આસપાસના વિસ્તારના પરપ્રાંતીઓના વિસ્તારને ધમરોળ્યા બાદ હવે ગડખોલમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ નજીકના દિવસોમાં દિવાળીનો તહેવાર આવનાર હોવાથી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર તંત્ર સતર્ક બન્યું છે. આ ઉપરાંત થોડા સમય અગાઉ અંકલેશ્વરની યુનીયન બેંકમાં બનેલ લુંટના બનાવ બાબતે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ સારંગપુર તથા મીરાનગર વિસ્તારમાં કોમ્બીંગ નાઇટની કાર્યવાહી દરમ્યાન પોલીસે ઘણી ગેરકાયદેસર ગતિવિધિઓ ઝડપી પાડી હતી. ફેસ્ટિવલ સીઝન દરમ્યાન ગંભીર પ્રકારના બનાવ બનતા અટકાવવા તથા પ્રજાની શાંતી અને સલામતી માટે અંકલેશ્વર શહેર પો.સ્ટે.વિસ્તારના ગડખોલમાં આવેલ મહેન્દ્રનગર-૧, મહેન્દ્રનગર-ર, નિરવકુંજ સોસાયટી, પુષ્પવાટીકા, ચંડાલ ચોકડી વિસ્તાર, તથા અન્ય બીજી અલગ અલગ ૩૫ સોસાયટીઓમાં કોમ્બીંગનુ આયોજન કરવામાં આવેલ હતું.
ભરૂચ જિલ્લા પોલીસની એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો, ટ્રાફિક, ક્યુ.આર.ટી., અંકલેશ્વર શહેર પો.સ્ટે., અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે., અંકલેશ્વર રૂરલ, ઝઘડીયા પો.સ્ટે., હાંસોટ પો.સ્ટે. મળી કુલ 10 ટીમોમાં પોલીસ ઇન્સ્પેકટર-૦૯, પોલીસ સબ ઇન્સ્પેકટર-૧૧ તથા ૧૧૪ પોલીસકર્મીઓ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ પોલીસે કોમ્બિંગ દરમ્યાન 188 શકમંદ લોકોને શોધી કાઢ્યા છે જેમની ગતિવિધિઓ ઉપર શંકા છે. આ શખ્શો વિરુદ્ધ કોઈ ગુણ નોંધાયા છે કે કેમ? તેનીમાહિતી જાણવા B -Roll ભરી તેમના મૂળ વતન અને અન્ય વિસ્તારમાં પોલીસને મોકલી તેમના અંગેની માહિતી એકત્ર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે તહેવારોની સીઝનમાં કેટલીક ગેંગ સક્રિય બનતી હોય છે ગુણ બન્યા બાદ ભેદ ઉકેલવા કરતા તેણે બનતા અટકાવવા ભરૂચ પોલીસ પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં પણ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેની કામગીરી કરવા ભરૂચ જીલ્લા પોલીસ કટીબધ્ધ છે.