ભરુચમાંથી 16 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપી ઝડપાયા, મુંબઇથી ડ્રગ્સ લવાતુ હોવાનો ખુલાસો
Bharuch crime news : 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પોલીસની સતર્કતા પણ વધી રહી છે. ખાસ કરીને નશીલા પદાર્થોની હેરાફેરીને લઇને પોલીસ વધુ સતર્ક બનતી જઇ રહી છે.
ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. એક પછી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થઇ રહ્યો છે. હજુ તો એક દિવસ પહેલા જ ઓખાના દરિયામાંથી 300 કરોડ રુપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપાયુ હતુ. ત્યારે હવે ભરૂચમાંથી પણ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 વ્યક્તિને પોલીસે ઝડપી લીધા છે. ભરૂચ બી ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 કેરિયરને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 16 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ મગાવી વેચવાનો પ્રયાસ કરતા હતા. જો કે પોલીસે બાવા રેહાન દરગાહ નજીક વોચ ગોઠવી કેરિયરને ઝડપી પાડ્યા છે.
બાતમીના આધારે આરોપીઓને ઝડપી લેવાયા
31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પોલીસની સતર્કતા પણ વધી રહી છે. ખાસ કરીને નશીલા પદાર્થોની હેરાફેરીને લઇને પોલીસ વધુ સતર્ક બનતી જઇ રહી છે. ત્યારે ભરુચ B ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે ભરુચમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી અને વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે ભરુચના બાવા રેહાન દરગાહ નજીક વોચ ગોઠવી હતી. B ડીવીઝન પોલીસને આ દરમિયાન એક કારમાં સવાર વ્યક્તિઓ દ્વારા ડ્રગ્સની લેવડદેવડ કરવાની કામગીરી ચાલી રહી હોવાનું નજરે પડતા તરત જ રેડ કરવામાં આવી હતી.
આ સાથે જ આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી 16 ગ્રામ જેટલુ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ હતુ. જેથી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ સાથે જ ત્રણેય આરોપીઓની પુછપરછ શરુ કરી છે. આ આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને આગળ કોને આપવાના હતા,સાથે જ આ મામલે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે વગેરે મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#Bharuch B division police busts MD Drugs racket, 3 arrested#Gujarat #TV9News pic.twitter.com/2KujxcDBrw
— Tv9 Gujarati (@tv9gujarati) December 27, 2022
ઓખામાંથી ઝડપાયુ હતુ કરોડો રુપિયાનું ડ્રગ્સ
મહત્વનું છે કે હજુ એક દિવસ પહેલા જ ઓખા દરિયા કાંઠેથી ડ્રગ્સની ઘૂસણખોરી રોકવામાં ATS અને કોસ્ટગાર્ડને મોટી સફળતા હાથ લાગી હતી. ઓખાના દરિયામાંથી 300 કરોડના 40 કિલો હેરોઈન સાથે 10 પાકિસ્તાનીઓ ઝડપાયા. તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઓખા નજીકના દરિયાકાંઠેથી સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી પરથી 40 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 300 કરોડની હોવાનો અંદાજ છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે બાતમીના આધારે ડ્રગ્સની સાથે 10 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી છે. આ બોટ પરથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 6 પિસ્તોલ તેમજ 120 કાર્તિઝ જપ્ત કરી છે.
(વિથ ઇનપુટ- અંકિત મોદી,ભરુચ)