અમદાવાદના કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને 3,000 રાખડીનો કરાયો ભવ્ય શણગાર

સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ -મણીનગર અમદાવાદ ખાતે રક્ષાબંધન પર્વ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનને 3,000 રાખડીમાંથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

અમદાવાદના કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને 3,000 રાખડીનો કરાયો ભવ્ય શણગાર
Ahmedabad
| Edited By: | Updated on: Aug 07, 2025 | 2:28 PM

સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -મણીનગર અમદાવાદ ખાતે રક્ષાબંધન પર્વ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનને 3,000 રાખડીમાંથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરની 45 બહેનોએ ભેગા થઈને આ 3000 રાખડી તૈયાર કરી હતી. એમાંથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભવ્ય શણગાર તૈયાર કરીને ધરાવવામાં આવ્યા હતા.

આ શણગારમાંથી પછી રાખડી કાઢી લેવામાં આવશે અને તે રાખડીઓ બહેનો પોતાના ભાઈને બાંધશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરશે કે, તેમનો ભાઈ આ લોક ને પરલોકમાં સદાય સુખી રહે.

કુમકુમ મંદિરમાં છેલ્લાં ઘણાં વર્ષોથી આ રીતે રાખડીના શણગાર કરવામાં આવે છે અને પછી તે રાખડીઓ સમગ્ર ગુજરાતની અંદર બહેનો પોતાના ભાઈને બાંધે છે. રક્ષાબંધન પર્વ પ્રસંગે અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિકનો ઉત્સવ છે.

શ્રાવણી પૂર્ણિમાને આપણે રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ.

રક્ષાબંધન એટલે ભાઈ – બહેનના પ્રેમના પ્રતિકનો ઉત્સવ. શ્રાવણ સુદ – પૂનમને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધન એ જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણોને જનોઈ બદલવાનો ઉત્સવ અને વેપારીઓનો સમુદ્રપૂજન કરવાનો ઉત્સવ છે.

શાસ્ત્રોમાં નિરુપણ છે કે, બલિરાજાએ ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને વશ કરી લીધા હતા. ત્યારે તેમને છોડાવા માટે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને પોતાનો ભાઈ બનાવ્યો અને ભગવાનને છોડાવ્યા હતા.

ભવિષ્ય પુરાણમાં રક્ષાબંધનની પૌરાણિક કથા આ રીતે વર્ણવામાં આવી છે કે, એક વખત દેવ અને દાનવોનો બાર વર્ષ સુધી મહાસંગ્રામ થયો હતો. એમાં દાનવોએ ઈન્દ્ર સહિત સર્વ દેવોને જીતી લીધા, પરંતુ ઈન્દ્ર સહિત તમામ દેવો ફરીથી દાનવો સાથે યુદ્ધ કરવા તત્પર થયા. તે સમયે ઈન્દ્રાણીએ પોતાના પતિ ઈન્દ્રને રક્ષાબંધન પર્વનો મહિમા સમજાવી રક્ષા બાંધી હતી. જેના પ્રતાપથી તેઓ દાનવોને પરાજિત કરી ફરીથી શ્રેષ્ઠ દેવ બની ગયા.

શ્રાવણી પૂનમ – રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ અનેક વખત ઉજવ્યો છે. શ્રીજીમહારાજને અનેક પ્રેમી ભક્તો રાખડીઓ બાંધતા. શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે કે, કરસજીસણ ગામના ગોવિંદભાઈ સાહીઠ – સાહીઠ ગાઉ ચાલીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધવા ગઢપુર આવતા હતા. સદ્.શ્રી પ્રેમાનંદ સ્વામી આદી અનેક સંતો-ભક્તોએ ભગવાનને રાખડી બાંધી હતી તેના અનેક કિર્તનો પણ રચ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકાનેક મંદિરોમાં આ પરંપરા આજેય જોવા મળે છે. રક્ષાબંધનના દિવસે સંતો – ભક્તો આ દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધીને પૂજન કરીને પોતાના દોષોથી રક્ષણ કરવાની યાચના કરે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો