ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત અને મારુ ગુજરાત, સારુ ગુજરાતના દાવા વચ્ચે અત્યંત ચોંકાવનારી હકીકત બનાસકાંઠાના તારંગડામાંથી સામે આવી છે. ગુજરાતના ચકાચૌધ કરી દેતા વિકાસના દાવાઓની પોલ ખોલતા દૃશ્યો બનાસકાંઠાના દાંતા તાલુકાના તારંગડા ગામેથી સામે આવ્યા છે. અહીં બાળકો માટે પ્રાથમિક શાળા તો છે પરંતુ આ શાળાએ પહોંચવા માટેનો રસ્તો નથી. જેના કારણે નાના-નાના ભૂલકાઓ જીવના જોખમે નદી પાર કરીને શાળાએ પહોંચે છે.
વિદ્યાર્થીઓ યુનિફોર્મ અને તેમના દફ્તર પલળે નહીં તેનુ ધ્યાન રાખતા નદી પસાર કરે છે. માથે દફતર મુકી વિદ્યાર્થીઓ નદી ઓળંગે છે, ત્યારે ક્યાંક બાળકો સંતુલન ગુમાવી દે અને નદીમાં પડે તો જીવનું જોખમ રહેલુ છે. તેની ચિંતામાં બાળકોના માતાપિતા પણ કામધંધા છોડી બાળકોને શાળાએ લેવા મુકવા આવે છે, બાળકો શાળાએ જાય ત્યારે માતાપિતાના જીવ પડીકે બંધાય છે કે ક્યાંક તેમનું બાળક નદી ઓળંગતા ડૂબી ન જાય. આ જ નદીમાં બે બાળકો તણાઈને મોતને ભેટ્યા છે, આથી જ્યાં સુધી બાળક હેમખેમ શાળાએથી પરત ન આવે ત્યાં સુધી માતાપિતાના જીવ પણ અદ્ધર રહે છે.
છેલ્લા ઘણા સમયથી તારંગડા ગામના લોકો નદી પર પૂલ બનાવવાની માગ કરી રહ્યા છે. ભર ચોમાસે નદી જ્યારે બે કાંઠે વહેવા લાગે છે ત્યારે સ્થિતિ વધુ કફોડી બની જાય છે. તેમને પુલ ક્યારે મળશે અને મળશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. દરરોજ જીવ હાથમાં લઈને બાળકો શાળાએ જાય છે અને રોજ ભીના કપડા સાથે બાળકો શાળામાં અભ્યાસ કરવા મજબુર બને છે ત્યારે આ સ્થિતિમાં તેમનો જીવ અભ્યાસમાં લાગતો હશે કે કેમ તે પણ મોટો સવાલ છે.
તારંગડા ગામની પ્રાથમિક શાળામાં પણ સમ ખાવા પૂરતા માત્ર 2 જ ઓરડા છે જે તંત્રની પોલ ખોલી રહ્યા છે. શાળા પ્રશાસન દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે 152 વિદ્યાર્થીઓની સંખ્યાને જોતા વધુ બે ઓરડા બનાવી આપવાની માગ કરાઈ છે. આ અંગે વારંવાર ફાઈલ મુકવા છતા હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. ત્યારે તંત્રમાં ક્યા પ્રકારે લાલિયાવાડી ચાલે છે તેનો બોલતો પુરાવો આ ગામની શાળા છે.
અહીં શિક્ષકનું નામ મસ્ટરમાં જો બોલાય છે પરંતુ DEOની સૂચનાથી તેઓ અન્યત્ર ફરજ બજાવી રહ્યા છે અને પગાર આ શાળામાંથી ચુકવાય છે. વિદ્યાર્થીઓના ભાવિની કોઈને પડી નથી. વિદ્યાર્થીઓ ભણે કે ન ભણે બસ સહુ પોત પોતાના હેતુ પાર પાડવામાં લાગેલા છે અને વિદ્યાર્થીઓ શિક્ષકની ઘટ સાથે જ ભણી રહ્યા છે. જેમા તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે.
એક તરફ શાળાએ જવા માટેનો રસ્તો નથી, નદી ઓળંગીને જીવના જોખમે વિદ્યાર્થીઓ દરરોજ શાળાએ જાય છે અને શાળામાં પણ શિક્ષકની અછત, ઓરડાની અછત સહિતની પરેશાનીઓનો વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા છે, ત્યારે આમા કેવી રીતે કહેવુ કે આ મારુ ગુજરાત સારુ ગુજરાત છે. શું આને ગતિશીલ ગુજરાત કહેશો ?
Published On - 6:59 pm, Sat, 17 August 24