પૂજ્ય રવિશંકર મહારાજ સાથે ભૂદાન યજ્ઞમાં સક્રિય ભૂમિકા ભજવનાર લગધીર બાપાનું નિધન
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના પિતાનું નિધન થયું છે. મહત્વનુ છે કે પૂજ્ય રવિશંકર મહારાજ સાથે ભૂદાન યજ્ઞ સહિત અનેક સેવાકીય પ્રવુતિઓમાં મોટો ફાળો આપનાર લગધીર બાપાનું નિધન થતાં પરિવારમાં પણ શોક છે. પૂજ્ય લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે અવસાન થયું છે.

પૂજ્ય લગધીર બાપાએ સમગ્ર જીવન સેવાકીય પ્રવૃત્તિમાં વ્યતિત કર્યું હતું. તેમનું ઘર આ પંથકમાં આવતા સાધુ સંતોના ઉતારાનું સ્થાન રહેતું હતું. પોતાની ખેતીની 10 વીઘા જેટલી જમીન તેમણે વાદીઓને વસાહત માટે એન.એ કરાવી દાનમાં આપી. જેમાં આજે 250 થી વધારે વાદી પરિવારો આજે નિવાસ કરે છે.
ભૂદાન યજ્ઞના પ્રણેતા પૂજ્ય રવિશંકર મહારાજ સાથે મળીને તેમણે કામ કર્યું હતું. દુષ્કાળના સમયમાં આ પંથકમાં બોરવેલ બનાવડાવી લોકોને પીવાના પાણીની સગવડ કરી આપી હતી.
પૂજ્ય લગધીર બાપાનો પંથકના સંતો અને મહંતો સાથે સહવાસ રહેતો હતો. પૂજ્ય દત્તશરણાનંદજી, પૂજ્ય સદારામ બાપાજી, ઉજ્જનવાડા મંદિરના મહંત, સણાદર મંદિરના પૂજ્ય ક્રિષ્નાનંદજી જેવા સંતો થી આધ્યાત્મિકતા નો નાતો ધરાવતા હતા.
આ પંથકના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે પોતાના ઘરમાં જ પ્રાથમિક શાળા તેમણે શરૂ કરાવી હતી. જીવન દરમિયાન પોતાની ભક્તિ અને શક્તિ મુજબ ગરીબોને જરૂરિયાત મુજબ મદદ કરી હતી.
પૂજ્ય લગધીરબાપા આજીવન ગૌવ્રતિ હતા. સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી જ તેઓ ભોજન લેતા હતા. પરંતુ જ્યારે ચોમાસામાં વાદળોના કારણે સૂર્યદેવના દર્શન ન થાય તો એ બે ત્રણ દિવસ સુધી ભોજન લેતા ન હતા. પંખીઓને ચણ તથા કીડિયારુ પૂરવાનો તેમનો નિત્યક્રમ આજીવન રહ્યો.
આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જાપાન, ગુજરાતમાં રોકાણ કરવા માટે જાપાન સરકારને આપ્યું આમંત્રણ, જુઓ તસ્વીરો
આજરોજ તેમની અંતિમયાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને તેમના પુત્ર શંકરભાઈ ચૌધરી, તેમના પરિવારજનો, ધારાસભ્ય, સામાજિક અને સહકારી આગેવાનો અને આ પંથકના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.