24 કલાક રાજનીતિ કરતી અને 365 દિવસ ચૂંટણીની તૈયારી કરતી કોઈ પાર્ટી હોય તો તે ભાજપ છે. ચૂંટણીની બાબતના મેનેજમેન્ટમાં બુથ સ્તરથી લઈને ટકોરાબંધ તૈયારી માટે ભાજપ જાણીતી છે. આથી જ છેલ્લા 10 વર્ષથી દેશની દરેક ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર હોય છે. પરંતુ બરાબર લોકસભા ચૂંટણી સમયે રાજકોટમાં રૂપાલાના નિવેદન બાદ ભાજપ ગુજરાતમાં બેકફુટની સ્થિતિમાં આવી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને આથી જ ક્ષત્રિયોના રોષને શાંત પાડવા, ક્ષત્રિયો ચૂંટણીમાં ભાજપને નુકસાન ન કરી જાય તે માટે ભાજપે ડેમેજ કંટ્રોલ માટે કવાયત કરવી પડી રહી છે.
ક્ષત્રિયોની નારાજગીનો સૂર એટલો તો બૂલંદ થઇ ચૂક્યો છે કે હવે રૂપાલાનો વિરોધ સીધો ભાજપને ભડકે બાળી રહ્યો છે. ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ગામે ગામ ક્ષત્રિયોના વિરોધની આગની જ્વાળાઓ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી, ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત સહિત. જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યો છે રાજપૂત સમાજનો રોષ, રાજકોટથી ઉઠેલી ચીનગારી હવે જ્વાળા બની ચૂકી છે, લોકસભા ચૂંટણીનો સમય છે, 26 બેઠકોનો લક્ષ્યાંક છે, ત્યારે ભાજપે નુકસાન ટાળવા અને વિરોધ ડામવા હવે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ છે.
ક્ષત્રિય સમાજના રોષને શાંત કરવા સરકાર અને ભાજપે પ્રયાસો તેજ કર્યા છે. 14 લોકસભા બેઠકો પર હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરે પ્રવાસ કરી ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા સતત પ્રયાસો હાથ ધર્યા છે. હર્ષ સંઘવી અને મહામંત્રી રત્નાકરે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે. જેમાં ક્ષત્રિય આગેવાનો સાથે 10 મુદ્દા પર સતત કરાઈ રહી છે ચર્ચા. પરંતુ આખરે એ કયા 10 મુદ્દાઓ છે જેને થકી ક્ષત્રિય સમાજને સમજાવાના, મનાવવાના અને ગુસ્સાને શાંત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.
રૂપાલાનો વિરોધ, રણસંગ્રામમાં ધર્મરથ. રૂપાલા સામે મેદાને પડેલા ક્ષત્રિયોએ ધર્મરથની શરૂઆત કરી છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતેથી પણ વધુ એક રથનું પ્રસ્થાન કરાયું છે. ધર્મરથ બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં ફરીને ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે, મતદારોને ભાજપ વિરૂદ્ધ મત માટે જાગૃત પણ કરવામાં આવશે. અંબાજીથી પ્રસ્થાન કરાયેલા ધર્મરથ સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ રાજપૂત સમાજની વાડીમાં ક્ષત્રિયોએ ભાજપને મત ન આપવા હુંકાર કર્યો. ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે ભાજપ ધારત તો રૂપાલાની ટિકિટ રદ કરી શકત. પરંતુ ભાજપે ટિકીટ રદ ન કરી આથી હવે અન્ય સમાજોને પણ ભાજપના વિરોધમાં મતદાન કરાવવાની અપીલ કરાશે.
આ પણ વાંચો: ક્ષત્રિયોની નારાજગીને લઈને પાટીલે આપ્યુ મોટુ નિવેદન, “રાજપૂત સમાજ રૂપાલાથી નારાજ છે ભાજપથી નહીં”- જુઓ Video
Published On - 7:59 pm, Thu, 25 April 24