બનાસકાંઠાના સરહદી ગામોમાં આભ ફાટ્યુ, સૂઈગામમાં ખાબક્યો 20 ઈંચ, ભાભરમાં 12 ઈંચ વરસાદ, 289 ગામોમાં વીજળી ડૂલ, અનેક ગામો સંપર્કવિહોણા

બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમા સૂઈગામ, દિયોદર, ભાભર, અને વાવ તાલુકામાં ભારે તારાજીના દૃશ્યો સર્જાયા છે. સૂઈગામમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા 16 જેટલા ગામોનો સંપર્ક કપાયો છે.

બનાસકાંઠાના સરહદી ગામોમાં આભ ફાટ્યુ, સૂઈગામમાં ખાબક્યો 20 ઈંચ, ભાભરમાં 12 ઈંચ વરસાદ, 289 ગામોમાં વીજળી ડૂલ, અનેક ગામો સંપર્કવિહોણા
| Edited By: | Updated on: Sep 08, 2025 | 7:53 PM

રાજ્યમાં ચોમાસુ હવે વિદાય લેવાની તૈયારી છે. પરંતુ જતા જતા મેઘરાજા ભરપુર વરસી રહ્યા છે. સામાન્ય રીતે ભાદરવા મહિનામાં એટલો વરસાદ નથી પડતો હોતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પેટર્ન બદલાઈ છે અને આ વર્ષે તો ભાદરવામાં પણ મેઘરાજા ભરપૂર બેટીંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ છે. જેમા વાવ, ભાભર, સૂઈગામ અને દિયોદરમાં તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. સૂઈગામમાં એકસામટો 20 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાભરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો. સૂઈગામમાં એકસાથે 20 ઈંચ વરસાદ ખાબકી જતા 16 જેટલા ગામોનો સંપર્ક કપાયો છે. હાલ તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી હાથ ધરાઈ છે.

ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાન

ધોધમાર, અવિરત વરસાદને કારણે અનેક રસ્તાઓ અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ભાભર-સૂઈગામ હાઈવે પર પાણી ભરાવાના કારણે બંધ થયા છે. ભારે વરસાદને પગલે ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. વરસાદ સાથે ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ધસમસતા પાણીના કારણે રોડ રસ્તાઓ પણ ધોવાયા છે. તેમા પણ સૂઈગામ સંપર્કવિહોણુ બન્યુ છે.NDRF અને SDRF લોકો રાહત અને બચાવન કામગીરીમાં લાગી ગયા છે. સૂઈગામ થી વાવ , તેમજ રાધનપુર સૂઈગામથી ભાભર સહિતના રસ્તાઓ બંધ થયા છે

છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયુ છે. થરાદ, ધાનેરા પંથકમાંથી વહેતી રેલ નદીએ ભારે તારાજી સર્જી છે. નદીના પાણી ગામમાં ફરી વળતા અનેક ગામોના રસ્તા ધોવાયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને મોટાપાયે નુકસાન થયુ છે. ગઈકાલે રાત્રે આવેલા ભારે પવનને લઈને સમગ્ર પંથકમાં તારાજીના દૃશ્યો સર્જાયા છે.

289 ગામોમાં વીજળી ડૂલ, 16 ગામો સંપર્ક વિહોણા

જિલ્લા કલેક્ટર, SP તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિતનો તંત્રનો કાફલો પણ પણ સરહદી ગામોની સ્થિતિનો તાગ મેળવવા માટે નીકળ્યા હતા. જો કે વાવ થરાદ હાઈવે પાણીમાં ગરકાવ થતા અધિકારીઓની ગાડીને રસ્તામાં રોકવામાં આવી હતી. જે બાદ એસપી, કલેક્ટર અને ડીડીઓ તેમની ગાડીઓ છોડી, રેનકોટ પહેરી પ્રાઈવેટ ગાડીમાં વાવ જવા નીકળ્યા હતા. જિલ્લા કલેક્ટર મિહીર પટેલના જમાવ્યા મુજબ 12 ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા છે. 289 ગામોમાં વીજળી ડૂલ છે. જિલ્લામાં NDRF અને SDRFની અન્ય ટીમો મગાવવામાં આવી છે. 13 ગામોના રસ્તાનો સંપર્ક કપાયો છે. હાલ વહીવટીતંત્રની સૌપ્રથમ પ્રાથમિક્તા માનવજીવ બચાવવાની અને રેસક્યુ કામગીરીની છે.

Input Credit- Dinesh Thakor, Atul Trivedi- Banaskantha

વિકસીત ગુજરાતનો ઝોળીમાં ઝૂલતો વિકાસ, ખરાબ રસ્તાને કારણે ઈજાગ્રસ્ત પ્રસુતાને ઝોળીમાં લઈ જવા લાચાર પરિવાર- જુઓ Video

Published On - 5:32 pm, Mon, 8 September 25