Banas Dairy: બનાસ ડેરીએ ઐતિહાસિક ભાવ ફેર નફો જાહેર કર્યો, પશુપાલકોને 1852 કરોડ રુપિયા વહેંચાશે Video

|

Jul 24, 2023 | 6:26 PM

Banas Dairy Annual General Meeting: બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા દિયોદરના સણાસર ગામે મળી હતી. સાધારણ સભામાં 20 હજાર કરતા વધારે પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દૂધ ઉત્પાદકોને માટે ઐતિહાસિક ભાવ ફેર જાહેર કરવામાં આવ્યો હતો.

બનાસ ડેરીના દૂધ ઉત્પાદકોને માટે મોટી ભેટ ડેરી તરફથી મળી છે. બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાતા જેમાં પાંચ લાખ કરતા વધારે પશુપાલકોને માટે મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા દિયોદરના સણાસર ગામે મળી હતી. સાધારણ સભામાં 20 હજાર કરતા વધારે પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દૂધ ઉત્પાદકોને માટે ઐતિહાસિક ભાવ ફેર જાહેર કરવામાં આવ્યો હતો. દૂધ ઉત્પાદક પશુપાલકોને દૂધ ભરાવીને મેળવેલ રકમ પર ભાવ ફેર 20.27 ટકા જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈ પશુપાલકોમાં ખુશી વ્યાપી છે.

બનાસ ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર પેટે 1852 કરોડ રુપિયા વહેંચવામાં આવશે. જ્યારે 100 કરોડ રુપિયાનો ભાવ ફેર દૂધ ઉત્પાદક મંડળીઓને ચુકવવામા આવશે. આમ પશુપાલકોને મોટી રકમ ભાવફેરને લઈ મળશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મીડિયાને કહ્યુ હતુ કે, બધુ મળીને પશુપાલકોને પચ્ચીસ થી ત્રીસ ટકા રકમ વધારે ડેરીમાં દૂધ ભરાવનારા પશુપાલકોને મળશે.

 

 

 

55મી સાધારણ સભા યોજાઈ

સણાદર નજીક આવેલ બનાસ ડેરીના સંકુલ ખાતે યોજવામાં આવેલી 55મી સાધારણ સભામાં સહકાર રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભામાં વાર્ષિક આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આગામી વર્ષના આયોજનને લઈ વિગતો ચેરમેન શંકર ચૌધરીએ આપી હતી. ચેરમેન દ્વારા પ્રેઝન્ટેશન સાથે બનાસ ડેરીની વિકાસ ગાથા રજૂ કરવામાં આવી હતી. 20 હજાર પશુપાલકોની ઉપસ્થિતિમાં બનાસ ડેરીની પ્રગતિ રજૂ કરવામાં આવી હતી.

દૂધ સંપાદન 73 લાખ લીટર પહોંચ્યુ

9 વર્ષના ટૂંકા ગાળામાં જ દૂધ સંપાદનને અઢી ગણુ વધારવામાં બનાસ ડેરીને સફળતા મળી છે. બનાસ ડેરી દ્વારા 2014 માં 29 લાખ લીટર દૂધ સંપાદન કરવામાં આવતુ હતુ. જે હાલમાં વધીને દૈનિક 73 લાખ લીટર દૂધ સંપાદન કરવામાં આવી રહ્યુ છે. બનાસ ડેરીના દૂધ, ઘી, મીઠાઈ, ચોકલેટ, પોટેટો, મધ, વ્હે પ્લાન્ટ, સીએનજી બાયોગેસ પ્લાન્ટ, બટર, ચીઝ, આઈસ્ક્રીમ, પનીર પ્લાન્ટની વિગતો આપી તેની ક્ષમતા અને નિકાસ અંગેની વિગતો પણ ચેરમેન શંકર ચૌધરીએ આપી હતી.

આ પણ વાંચોઃ Dharoi Dam: ધરોઈ ડેમ એલર્ટ સ્ટેજ નજીક પહોંચ્યો, સાબરમતીમાં આવકમાં થયો સતત વધારો, દાંતીવાડા, વાત્રક અને ગુહાઈમાં નોંધાઈ આવક

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:34 pm, Mon, 24 July 23

Next Video