
ભાવનગરના બગદાણા ખાતે, નવનીત બાલધિયાને ઢોર માર મારીને તેનો વીડિયો બનાવવાના કેસમાં પોલીસે ભીનું સંકેલ્યુ હોવાની ફરિયાદ ખુદ ભાજપના ધારાસભ્ય હિરા સોલંકીએ જાહેરમાં કરી હતી. આ ફરિયાદ મીડિયા દ્વારા વાયરલ થતા જ ગુજરાત સરકાર એકશનમાં આવી અને ગણતરીની ઘડીઓમાં બગદાણાના પોલીસ ઈન્સ્પેકટરને બદલીનું ગડગડીયું પકડાવી દેવામાં આવ્યું.
રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ, આજે કોળી સમાજના લોકોની સાથે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ નવનીત બાલધિયાને મળ્યા હતા. તેમની સાથે પૃચ્છા કર્યા બાદ, મીડિયા સમક્ષ હિરા સોલંકીએ કહ્યું કે, ગુજરાતના વર્તમાન મુખઅય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન કોઈ પણ દાદાની દાદાગીરી સહન કરે તેવા નથી. નવનીત બાલધિયા પર જે પ્રકારે હુમલો થયો અને તેને માર મારતો વીડિયો બનાવવામાં આવ્યો તે ઘટના શંકા પ્રેરે છે. માર મારતા હોવાનો વીડિયો બનાવીને આરોપીઓ શું સાબિત કરવા માગે છે, શુ તેઓ આ પથંકમાં કોઈ દહેશત ફેલાવવા ઈચ્છે છે. વીડિયો બનાવતી વખતે માર મારનારાઓ કોની સાથે મોબાઈલમા વાત કરતા હતા તેની પણ તપાસ થવી જોઈએ.
હિરા સોલંકીએ પોલીસની કાર્યવાહી અંગે જણાવ્યું કે, પોલીસે સાચી દિશામાં તપાસ કરવી જોઈએ. કોઈને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સોમવારે, ગુજરાતભરના કોળી સમાજના ધારાસભ્યો ગૃહપ્રધાન હર્ષ સંધવીને મળવા જવાના છે. અને ભવિષ્યમાં કોળી સમાજ ઉપર અન્યાય ના થાય તેની પણ રજૂઆત કરાશે.એક પ્રશ્નના જવાબમાં હિરા સોલંકીએ કહ્યું કે, પોલીસ બાતમીદારની વાત ઉપજાવી કાઢેલ છે. બન્ને પોલીસ સ્ટેશન અલગ છે. સાચી દિશામાં તપાસ થવી જોઈએ કોઈને બચાવવામાં આવી રહ્યાં હોવાનું સ્પષ્ટ જણાય છે.
હુમલાનો ભોગ બનનાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહિર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં આઠ ઈસમોની ધરપકડ કરી છે. જેમા મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતું ભમમર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ સેરડાનો સમાવેશ થાય છે. પોલીસે આજે હુમલો કરનારા આઠ આરોપીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનુ રિકન્સ્ટ્રકશન કર્યું હતું.
આ પણ જાણોઃ પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર, ઉનામાં જાહેર રસ્તા પર હંગામો