સિંચાઈ વિભાગના અધિકારી પાર્થ પટેલ દ્વારા આ અંગે માહિતી અપાઈ હતી. તેઓએ કહ્યુ હતુ કે, આ હાલના દિવસોમાં ખેડૂતો અને પશુ પંખીઓ સહિતની સ્થિતી ખૂબજ મુશ્કેલ છે. આવી સ્થિતીમાં ગરમીના દિવસો પસાર કરવા એ પશુ-પંખીઓ માટે મુશ્કેલ છે. તેમજ નદી પણ પણ સુકી ભંઠ ભાસી રહી છે. જેને લઈને નદીને જીવંત રાખવા અને નદીને ભેજયુક્ત રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે. ઉનાળાની શરુઆતે અને રવિ સિઝન દરમિયાન પણ મેશ્વો જળાશય દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી પુરુ પાડવામાં આવ્યુ હતુ.
હાલમાં દૈનિક 25 ક્યુસેક પાણી નદીમાં છોડવાની શરુઆત કરવામાં આવી છે. મેશ્વો જળાશયમાં જોકે હાલમાં માત્ર 26.91 ટકા જ પાણીનો જથ્થો છે. જોકે તે પીવાના પાણી માટે પુરતો જથ્થો છે. જોકે આમ છતાં રાહત આપવા માટે થઈને નદીમાં પાણી છોડવા માટેનો મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને લોકોમાં પણ રાહતની લાગણી પેદા થઈ છે.
203 કીલોમીટર લાંબી મેશ્વો નદી રાજસ્થાનમાંથી નિકળીને અરવલ્લી જિલ્લાથી પસાર થઈને સાબરકાંઠા જિલ્લામાંથી પણ પસાર થાય છે. ત્યાર બાદ તે અમદાવાદ અને ખેડા જિલ્લામાંથી પસાર થાય છે જ્યાં ખેડામાં વાત્રક નદી સાથે મળીને સાબરમતી નદીમાં ભળે છે. અરવલ્લી જિલ્લામાં ભિલોડા અને મોડાસા તાલુકામાંથી નદી પસાર થાય છે. શામળાજી નજીક આવેલ મેશ્વો જળાશય 17.21 હજાર હેકટર વિસ્તારને સિંચાઈ પુરુ પાડે છે.