Aravali: માલપુર નજીક નવજાત બાળકી મળી આવવાનો મામલો, પ્રેમીએ સગીરને ગર્ભવતી બનાવી હોવાનુ ખુલ્યુ, પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધાયો
પાંચ દિવસ અગાઉ માલપુરના મુખીના મુવાડા ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી નવજાત બાળકી મળી આવી હતી, પાંચ દિવસ નિષ્ણાંત તબિબોની સારવાર બાદ બાળકીએ બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મુખીના મુવાડા ગામની સીમના એક ખેતરમાંથી નવજાત બાળકી મળી આવી હતી. નવજાત બાળકીને રાત્રી દરમિયાન કોઈ અજાણી મહિલા તરછોડીને જતી રહી હતી. નવજાત બાળકી પર ખેતર નજીક ઘર ધરાવતા પરિવારની નજર પડતા મહિલા તેને પોતા ઘરે લાવી સ્નેહપૂર્વક તેની કાળજી લેવાનુ શરુ કર્યુ હતુ. બીજી તરફ તેમના પરિવારજનોએ 108 ને ફોન કરીને મેડિકલ ટીમ બોલાવી હતી. બાળકીને સારવાર માટે વધારે જરુરિયાત જણાતા મોડાસા ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. માલપુર પોલીસે બાળકીને તરછોડનારની શોધખોળ હાથ ધરી હતી. માલપુર પોલીસને બાળકીને તરછોડનાર માતા સુધી પહોંચવામાં સફળતા મળી છે.
માલપુર પોલીસે માતાની પૂછપરછ કરતા બાળકી તરછોડવાનુ કારણ સગીર વયે પ્રેમસંબંધ હોવાનુ ખૂલ્યુ હતુ. પ્રેમમાં સગીર ગર્ભવતી બની હતી અને જેને લઈ આખરે પોતાનુ પાપ છુપાવવા માટે સગીરની દાદીએ પુત્રીના જન્મબાદ તેને ત્યજી દેવાનો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે હવે સગીરને ગર્ભવતી બનાવનારા યુવક વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરી છે.
સગિર માતાએ ખોલ્યા રાઝ
ઘટના બાદ પોલીસે નવજાતની માતાની તપાસ શરુ કરી હતી. આ દરમિયાન પોલીસે એક બાદ એક સુરાગ મેળવવાની શરુઆત કરતા કેટલીક કડીઓ હાથ લાગી હતી અને પોલીસ સીધી જ માતા સુધી પહોંચી ગઈ હતી. જોકે બાળકીને જન્મ આપનારી માતા સગીર હોવાનુ સામે આવ્યુ હતુ. સગીરએ આમ કરવા માટેનુ કારણ સગિર વયે ગર્ભવતી બની હતી અને પોતાના પ્રેમનુ પાપ છુપાવવા માટે થઈને તેણે આ પગલુ ભર્યુ હતુ.
સગીરાએ બતાવ્યુ હતુ કે, બાળકીના જન્મબાદ તેની દાદીએ બાળકીને ત્યજી દીધી હતી. સગીરની દાદીએ નવજાતને લઈ ખેતરમાં જઈ ત્યજી દઈ પોતાની પૌત્રીની ભૂલને છુપાવવા માટે પ્રયાસ કર્યો હતો. અરવલ્લી એસપી સંજય ખરાતે જણાવ્યુ હતુ કે, સગીરના ખુલાસા બાદ પોલીસે હવે તેને ગર્ભવતી બનાવનારા યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
આ પણ વાંચોઃ એક ગુજરાતીનુ અભિયાન! ભારતના અતિ સુંદર ટાપુને world-class પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહ્યા છે, Maldives ને ભૂલાવી દેશે
ફેફસામાં ઈન્ફેક્શનને લઈ નવજાતનુ મોત
બાળકી મળી આવ્યા બાદ તેને માલપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાંથી બાળકીને મોડાસા ખાતેની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીને સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ બાળકીને ફેફસમાં ઈન્ફેક્શન થયુ હતુ. ઇન્ફેક્શનને કારણે બાળકીએ બુધવારે જ અંતિમશ્વાસ લીધા હતા. આમ પાંચ દિવસની નવજાત જિંદગીનો અંત આવ્યો હતો. બાળકીને નિષ્ણાંત તબિબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. જેને બચાવી લેવા માટે શક્ય તમામ પ્રયાસો છેલ્લા પાંચ દિવસથી હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ આખરે તે મૃત્યુ પામી હતી.