
સુરતના માથા ભારે અસામાજીક તત્વની છાપ ધરાવનાર વ્યાજખોર ચિરાગ ગોટી, પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા જ ઢીલોઘેંસ જેવો થઈ ગયો છે. જરૂરીયાતમંદ સામે રોફ બજાવનારો, કાયદો હાથમાં લઈને ફરનાર ચિરાગ ગોટી સામે વધુ એક વ્યક્તિએ હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ વખતે સુરતના અશ્વિનીકુમાર પોલીસ મથકમાં, એક વેપારીએ ચિરાગ ગોટી અને તેના અન્ય બે વ્યક્તિઓ સામે જાનથી મારી નાખવા સહીતની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં વ્યાજે રૂપિયા આપીને રૂપિયા પાછા વસૂલવા માટે ત્રાસ ગુજારનાર, ચિરાગ ગોટી વિરુદ્ધ એક પછી એક ફરિયાદી સામે આવી રહ્યાં છે. સુરત પોલીસે સૌને અપીલ કરી છે કે, ચિરાગ ગોટી સામે જે કોઈ વ્યક્તિને ફરિયાદ હોય તે હિંમત કરીને પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવે. પહેલી ફરિયાદ નોંધાતા જ, પોલીસે બતાવેલ ત્રીજા નેત્રને કારણે ચિરાગ ગોટી ડાહ્યોડમરો થઈને બે હાથ જોડીને લોકોની માફી માગતો ફરતો થઈ ગયો છે.
આવા સમયે સુરતના વધુ એક વેપારીએ હિંમત કરીને અશ્વિનીકુમાર પોલીસ મથકે, ચિરાગ ઘનશ્યામ ગોટી અને તેના બે સાથીદારો નવીન બચુભાઈ પટેલ અને ચિરાગ રમેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, માલિકીની જમીન ખાલી કરાવવા માટે ધાક-ધમકી આપવાનો આક્ષેપ થતાં પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગત તા. 10 જુલાઈ 2023 થી 20 જુલાઈ 2023ના સમયગાળા દરમિયાન આ ત્રણેય આરોપીઓએ ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદીને ગાળાગાળી કરી ખોટા કેસોમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ચિરાગ ગોટીએ કેટલાક વ્યાજે રૂપિયા લેનારાઓને ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો બાદ પોલીસે સખ્તાઈ દર્શાવી હતી. પોલીસે ચિરાગ ગોટીનું સરઘસ કાઢીને લોકો પાસે માફી મંગાવડાવી હતી.