Amreli : સનાળામાં યુવાનો દ્વારા સંચાલિત અનોખું ભોજનાલય, જ્યાં વૃદ્ધો, નિરાશ્રિતો કે નોકરિયાતોને મળે છે વાજબી ભાવે ભોજન
રસોઈ તૈયાર થાય એટલે ભોજનાલયનું સંચાલન કરતાં યુવાનોને રસોઈના ફોટા પણ મોકલવામાં આવે છે. બાદમાં સિનિયર સિટિઝનનોને ભોજન અપાય છે. ભોજનમાં વડીલોને મીઠાઈ, ફરસાણ સહિતની વેરાયટીઓ પણ અપાય છે.

અમરેલી જિલ્લાના સનાળા ગામનું ભોજનાલય ગ્રામિણ વિસ્તારના આસપાસના લોકો માટે આશીર્વાદ રૂપ બન્યું છે. અહીં નજીવા દરે બે ટાઇમનું પૌષ્ટિક અને સ્વચ્છ ભોજન આપવામાં આવે છે. આ સમગ્ર કામગીરી યુવાનો દ્વારા જ સંચાલિત થાય છે. ગામના કેટલાક યુવાનો જેઓ બહાર નોકરી કરે છે તો ગામના કેટલાક વૃદ્ધો અવસ્થાને કારણે રસોઈ બનાવી શકતા નથી કે પછી એકલા રહેતા હોય છે તેઓ આ ભોજનાલયમાં માત્ર 30 રૂપિયાના દરે ભોજન કરી શકે છે.
વડીલોની ઉંમર થાય ત્યારે તેઓ જમવાનું બનાવી શકતા નથી. તો કેટલાક વડીલો એવા છે જેમના સંતાનોએ શહેરમાં વસવાટ કર્યો છે, પરંતુ વડીલો શહેરમાં રહેવાનું પસંદ કરતા નથી તેઓ પણ આ જ ભોજનાલયમાં ભોજન કરે છે.
તો આ તમામ વડીલો કોઈને કોઈ સ્થિતિને લઈ જમવાનું બનાવી શકતા નથી. તો આવા વડીલોના આશ્રય માટે અમરેલીના વડિયા તાલુકાના સનાળા ગામમાં અનોખું ભોજનાલય બનાવ્યું છે. સુરતમાં વસતા યુવાનોએ પોતાના માતા-પિતા અને વડીલોની ચિંતા કરીને ભોજન માટેની અનોખી વ્યવસ્થા કરી છે..ગામના એક વડીલે ભોજનાલય બનાવવા માટે પોતાનું ઘર આપ્યું છે. શહેરોમાં વસતા યુવાનો આ ભોજનાલયનું સંચાલન કરે છે. 365 દિવસ સવાર-સાંજ જમવાનું મળે છે.
સુરતમાં રહેતા યુવાનોએ બનાવ્યું છે ભોજનાલય
આ ભોજનાલય સુરતમાં રહેતા અને ગામ સાથે સંકળાયેલા યુવાનોએ શરૂ કરાવ્યું છે. જેથી ગામમાં રહેતા વડીલોને તકલીફ ન પડે. રસોઈ તૈયાર થાય એટલે ભોજનાલયનું સંચાલન કરતાં યુવાનોને રસોઈના ફોટા પણ મોકલવામાં આવે છે. બાદમાં સિનિયર સિટિઝનનોને ભોજન અપાય છે. ભોજનમાં વડીલોને મીઠાઈ, ફરસાણ સહિતની વેરાયટીઓ પણ અપાય છે. જમવા માટે બપોરે 30 અને સાંજે 20 રૂપિયાની ટોકન રકમ લેવામાં આવે છે. આ ભોજનનો લાભ સનાળા સહિતના આસપાસના ગામના અપરણિત, વૃદ્ધ, વિધુર કે પરિવારમાં કોઈ સ્ત્રી નથી એવા લોકો લાભ લે છે.
બીજી તરફ ગામના કોઈ પરિવારને હોસ્પિટલ કે કોઈ અગમ્ય કારણોસર બહાર ગામ જવાનું થાય તો આ ભોજનાલયનો લાભ લઈ શકે છે. ઉપરાંત તહેવારના સમયે ગામના બાળકોને બટુક ભોજન પીરસવામાં આવે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…