એક તરફ હાર્દિક પટેલ અમરેલી બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તેવા સમયે જ ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાના અમરેલી બેઠકના સાંસદ તરીકેના પોસ્ટર સોશ્યલ મિડીયામાં વાયરલ થયા છે ત્યારે રાજકારણ ગરમાયું છે.સવાલ એ થઇ રહ્યો છે કે શું અમરેલી લોકસભાની બેઠકમાં હાર્દિક પટેલની સામે પરેશ ગજેરા ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે ખરા..
જો કે આ મામલે પરેશ ગજેરાએ રદિયો આપ્યો છે..હાર્દિક પટેલના ચૂંટણી લડવાને પોતાનું અંગત મંતવ્ય ગણાવતા પરેશ ગજેરાએ પોતે હાલમાં સક્રિય રાજકારણમાં નહિ જોડાય તેવી જાહેરાત કરી છે.પરેશ ગજેરાએ એવું પણ ઉમેર્યુ છે કે તેઓ બિન રાજકીય રીતે સમાજના કામો કરવા માંગે છે.
મહત્વનું છે કે હાર્દિક પટેલની સામે ભાજપને એક મજબુત ચહેરાની જરૂર પડશે,તેવામાં આ પ્રકારના પોસ્ટર ઘણાં સંકેતો આપી જાય છે.પરેશ ગજેરા છેલ્લા ઘણાં સમયથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નજીકના માનવામાં આવે છે ત્યારે પરેશ ગજેરા ખોડલઘામ ટ્રસ્ટના કારણે એક જાણીતો ચહેરો છે અને પાટીદાર અગ્રણી પણ છે ત્યારે પરેશ ગજેરાની પસંદગી થાય તો નવાઇ નહિ..ભલે પરેશ ગજેરા અત્યારે રદિયો આપતા હોય પરંતુ તેના પોસ્ટરને કારણે રાજકારણ જરૂરથી ગરમાય રહ્યુ છે..