World Heritage City Ahmedabad: અમદાવાદ શહેરની લોકપ્રિયતા હવે આભને સ્પર્શી, શહેરને ટાઈમ મેગેઝિનના 50 શ્રેષ્ઠ શહેરોની યાદીમાં મળ્યુ સ્થાન
વર્ષ 2022ના વિશ્વના 50 સૌથી વધુ જોવાલાયક સ્થળોની ટાઈમ મેગેઝિને યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમદાવાદ શહેરનો પણ સમાવેશ થયો છે.

વિશ્વભરના 50 શ્રેષ્ઠ ફરવાલાયક સ્થળોની ટાઈમ (Time) મેગેઝિને વર્ષ 2022ની યાદી જાહેર કરી છે. જેમા ભારતના (India) બે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ આ યાદીમાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ (Ahmedabad) શહેરનો પણ સમાવેશ કરાયો છે. ટાઈમ મેગેઝિનમાં એશિયા પેસેફિકના જોવા લાયક સ્થળોમાં ટોચ ઉપર અમદાવાદ સિટીનો ઉલ્લેખ કરાયો છે.. આપને જાણીને નવાઈ લાગશે કે હવે અમદાવાદની ઓળખ માત્ર ગુજરાત અને ભારત પૂરતી જ સિમિત નથી રહી હવે તે ગ્લોબલ સિટી બની ગયુ છે. ટાઈમ મેગેઝિને દર વર્ષની જેમ આ વર્ષે જાહેર કરેલી વિશ્વના 50 સૌથી વધુ જોવા સ્થળોની યાદીમાં અમદાવાદને મુક્યુ છે. જે દરેક અમદાવાદી, દરેક ગુજરાતી અને દરેક દેશવાસી માટે ગૌરવની પળ છે.
યુનેસ્કો દ્વારા અમદાવાદને મળ્યો છે વર્લ્ડ હેરિટેડ સિટીનો દરજ્જો
આપને જણાવી દઈએ કે યુનેસ્કો દ્વારા અમદાવાદને જૂલાઈ 2017માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. ત્યારે અમદાવાદ હવે વૈશ્વિક ફલક પર પણ છવાઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. અમિત શાહે જણાવ્યુ છે કે, “તમામ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતના લોકો માટે આ અત્યંત ગર્વ અને ખુશીની વાત છે કે ભારતનું પ્રથમ UNESCO World Heritage 2022 શહેર, અમદાવાદને હવે ટાઈમ મેગેઝિન દ્વારા ‘2022ના વિશ્વના 50 સૌથી મહાન સ્થળો’ ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સિધ્ધિ બદલ હું સૌને અભિનંદન પાઠવુ છુ.”
તમામ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતના લોકો માટે આ અત્યંત ગર્વ અને ખુશીની વાત છે કે ભારતનું પ્રથમ UNESCO World Heritage 2022 શહેર, અમદાવાદને હવે ટાઈમ મેગેઝિન દ્વારા ‘2022ના વિશ્વના 50 સૌથી મહાન સ્થળો’ ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
આ સિદ્ધિ બદલ હું સૌને અભિનંદન પાઠવું છું.
— Amit Shah (@AmitShah) July 14, 2022
આ સાથે અમિત શાહે અન્ય એક ટ્વીટમાં જણાવ્યુ છે કે “વર્ષ 2001થી મોદીજીના નેતૃત્વમાં ગુજરાતમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જે નીવ મુકવામાં આવી હતી તેનું જ આ પરિણામ છે.
અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ હોય કે સાઇન્સ સિટી, મોદીજીએ હમેશા Next-Gen ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને ભારતને આવનાર સમય માટે તૈયાર કરવા પર ભાર મૂક્યો છે. ”
2001થી મોદીજીના નેતૃત્વમાં ગુજરાતમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જે નીવ મુકવામાં આવી હતી તેનું જ આ પરિણામ છે.
અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ હોય કે સાઇન્સ સિટી, મોદીજીએ હમેશા Next-Gen ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને ભારતને આવનાર સમય માટે તૈયાર કરવા પર ભાર મૂક્યો છે.
— Amit Shah (@AmitShah) July 14, 2022
વિશ્વના 50 શહેરોની યાદી
ટાઈમ મેગેઝિનની આ યાદીમાં વિશ્વભરના 50 એવા સ્થળોને સામેલ કરવામાં આવ્યા છે જે ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો છે. આ સ્થળો ખ્યાતનામ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સથી કંઈક હટકે છે જે લોકોને કંઈક નવીન, રોમાંચક અને રસપ્રદ અનુભવ કરાવે છે. આ યાદીમાં સૌથી વધુ યુરોપના 13 સ્થળો, જ્યારે ઉત્તર અમેરિકા રિજિયનના 10 સ્થળો સામેલ છે. ટોપ 50 સ્થળોની યાદીમાં ભારતના બે સ્થળો સામેલ છે. આ લિસ્ટમાં કેરલને પણ સ્થાન મળ્યુ છે. જ્યારે ગુજરાતના અમદાવાદ એશિયા પેસેફિકમાં પ્રથમ હરોળમાં સમાવાયુ છે.
Introducing the World’s Greatest Places of 2022—50 extraordinary destinations to explore https://t.co/MvjDP1ML19 pic.twitter.com/6g92SCIudL
— TIME (@TIME) July 12, 2022
ભારતના કેરલ અને અમદાવાદનો સમાવેશ
કેરલ (Kerala), ભારતના દક્ષિણ-પશ્ચિમ તટ પર આવેલુ કુદરતી સૌદર્યથી ભરપુર રાજ્ય છે. કેરલ તેના દરિયાઈ લોકેશન્સ, ધાર્મિક સ્થળો, સાંસ્કૃતિક ઉત્સવો અને અન્ય ટુરિસ્ટ ડેસ્ટિનેશન માટે ફેમસ છે. કેરલ દેશનું પ્રથમ એવુ રાજ્ય છે જ્યાં પ્રથમ કારવા પાર્ક શરૂ થવા જઈ રહ્યો છે.. કારવાં મિડોઝ નામનો આ પાર્ક વૈગામોનમાં બનાવવામાં આવશે જે પ્રવાસીઓને અનોખી યાત્રા, અનોખી મહેમાનગતિનો આનંદ આપશે. અલેપ્પીનું આયુર્વેદિક કેન્દ્ર ‘અમાજ ટમારા’ યોગની પ્રેકટિસ માટે ઘણુ જ ફેમસ છે.
ગુજરાતના અમદાવાદ શહેરે પણ ટાઈમ મેગેઝિનની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યુ છે. શાંતિ અને અહિંસાના પૂજારી, દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કારણે આ શહેરથી વિશ્વભરના લોકો માહિતગાર છે. સાબરમતી નદીના કિનારે આવેલો ગાંધી આશ્રમ 36 એકર જમીનમાં ફેલાયેલો છે. દેશવિદેશના ટોચના નેતાઓ અમદાવાદ આવે ત્યારે ગાંધી આશ્રમની અચૂક મુલાકાત લે છે. અમદાવાદમાં બનેલુ સાઈન્સ સિટી પણ આકર્ષણનું કેન્દ્ર છે. જેમા નેચરપાર્ક, રોબોટિક ગેલેરી, સાઈન્સ સિટી, એક્વેરિયમ સહિત અનેક ચીજો જોવા અને માણવાલાયક છે.