Weather: કચ્છમાં હવામાનની વિભાગની કોલ્ડ વેવની આગાહી, તાપમાનનો પારો ગગડશે, વાતાવરણ રહેશે સૂકું
નલિયા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની પરિસ્થિતિ સર્જાશે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજયમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 4.9 ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યના હવામાનમાં બે દિવસથી ફેરફાર થયો છે અને સવાર સાંજ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ નલિયા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની પરિસ્થિતિ સર્જાશે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજયમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 4.9 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે તાપમાનનો પારો ગગડયો છે. ગત રોજ અમદાવાદનું તાપમાન 32 ડિગ્રી હતું જે આજે દિવસ દરમિયાન 29 ડિગ્રી થઈ ગયું છે આજે સાંજે મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડે તેવી શકયતા છે. આજે સાંજે પણ નલિયામાં તાપમાન 11 ડિગ્રી સુધી ગગડે તેવી શકયતા છે.
નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે તે પહેલા આકરી ગરમીનો અનુભવ થયો હતો અને કેટલાક સ્થાનો ઉપર માવઠું પણ થયું હતું . જોકે છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યો છે. ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે અને રાત્રિનું તાપમાન (temperature) મોટા ભાગના જિલ્લામાં ગગડયું છે ત્યારે ગાંધીનગર, મોરબી, અમદાવાદ સહિતના જિલ્લામાં રાત્રિના તાપમાનનો પારો 11થી 14 ડિગ્રી સુધી ગગડે તેવી શકયતા છે.
અમદાવાદ, બનાસકાંઠા, તાપીમાં લઘુત્તમ તાપમાનમાં થશે ઘટાડો
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 32ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 12 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન17 ડિગ્રી અનુભવાશે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે.