Breaking News : અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ
અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા તમામ લોકો રાજસ્થાનના રહીશ હોવાનું સામે આવ્યું છે. પાલનપુર હોસ્પિટલમાં તબિયત બતાવીને અને રાજસ્થાન પરત ફરતા હતા તે સમયે સર્જાયો અકસ્માત. છ મૃતકોને અમીરગઢ રેફરલ અને એક મૃતક પાલનપુર સિવિલમાં પીએમ અર્થે મોકલાયા છે.
બનાસકાંઠાના ઈકબાલગઢ હાઈવે પર ગઈકાલ શનિવારે 24મી જાન્યુઆરીની મોડી સાંજે ટ્ર્ક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમા 7 લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાસકાંઠાના પાલનપુરથી ઈનાવો કાર રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે, એક ટ્રક ડિવાઇડર કુદીને ઇનોવા સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમા સવાર સાત લોકોના મોત થયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા, જિલ્લા પોલીસ વડા સહિતનો બનાસકાંઠા પોલીસનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા તમામ લોકો રાજસ્થાનના રહીશ હોવાનું સામે આવ્યું છે. પાલનપુર હોસ્પિટલમાં તબિયત બતાવીને અને રાજસ્થાન પરત ફરતા હતા તે સમયે સર્જાયો અકસ્માત. છ મૃતકોને અમીરગઢ રેફરલ અને એક મૃતક પાલનપુર સિવિલમાં પીએમ અર્થે મોકલાયા છે. જ્યારે ત્રણ ઘાયલ પાલનપુર સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જેમાંથી બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ, અકસ્માતગ્રસ્ત સ્થળે જઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અકસ્માતને પગલે જામ થયેલા ટ્રાફિકનું બનાસકાંઠા પોલીસે નિયંત્રણ કર્યું અને ગુજરાત રાજસ્થાન વચ્ચેનો ટ્રાફિક પૂર્વવત કરાયો હતો. અમીરગઢ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે.
