
અમદાવાદના વસ્ત્રાપુર રેલવે રોડ પર ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાએ ફરી માથું ઊંચક્યું છે. વરસાદ બંધ થયાના બે કલાક વીતી ગયા હોવા છતાં પણ પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, અને દર ચોમાસે નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વસ્ત્રાપુર રેલવે રોડ પર પાણી ભરાવાની સ્થિતિ એવી છે કે મોટી એસયુવી ગાડીઓ પણ લગભગ ડૂબી ગઈ હોય તેવા દૃશ્યો જોવા મળે છે. ત્યારે નાના વાહનો જેવા કે બાઇક કે સ્કૂટર લઈને નીકળનારા લોકોની હાલત કફોડી બની જાય છે. ઘણા વાહનો પાણીમાં ફસાઈ જાય છે અને બંધ પડી જાય છે.
આનંદનગરથી વેજલપુર તરફ જતા અને બુટ ભવાની તરફ લઈ જતા રોડ પર પણ કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળે છે. આ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ સ્થાનિકોના મતે આ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, જે પાણી ભરાવાની સમસ્યાને વધુ ગંભીર બનાવી રહી છે.
સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પુલનું કામ ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે અને કોઈ યોગ્ય આયોજન ન હોવાને કારણે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે. કંચનભૂમિ સોસાયટી, રાજિપા સોસાયટી, ક્રુષા સોસાયટી અને સ્કાયલાઇટ સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓના રહેવાસીઓ ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. ગુરુકૃપા જ્વેલર્સ જેવી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે, અને ફર્નિચર સુધી પાણી પહોંચી ગયું હોવાથી વેપારીઓને મોટું નુકસાન થયું છે.
એક સ્થાનિકે જણાવ્યું હતું કે, “અમારી ગવર્મેન્ટને યા મ્યુનિસિપાલિટીને નમ્ર વિનંતી છે કે જેટલું જલ્દી કામ કરશો એટલી બધાને રાહત જલ્દી મળશે. પબ્લિક અવરજવરમાં બહુ હેરાન થાય છે.” તેઓએ ધારાસભ્ય અમિતભાઈ ઠાકરને પણ આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા અપીલ કરી હતી. સ્થાનિકોનું માનવું છે કે કોર્પોરેશનના યોગ્ય પ્લાનિંગના અભાવે જ આવી પરિસ્થિતિ સર્જાઈ છે.
રિપોર્ટરે જણાવ્યું હતું કે અમદાવાદમાં એક-બે નહીં, પરંતુ અસંખ્ય એવી જગ્યાઓ છે જ્યાં વરસાદ બંધ થયા પછી પણ પાણીનો નિકાલ થતો નથી, છતાં તે કોર્પોરેશનના લિસ્ટમાં નોંધાયેલી નથી. આ સ્થિતિ તંત્રની બેદરકારી અને આયોજનના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે, જેના કારણે નાગરિકોને દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવવી પડે છે.
ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, 1 ઇંચ વરસાદથી ખેડૂતોમાં આનંદ
Published On - 6:39 pm, Mon, 14 September 26