ગુજરાતનું ગૌરવ અને દેશના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉકટર તેજસ પટેલને કેન્દ્ર સરકાર પદ્મભૂષણથી પુરસ્કારથી નવાજશે. મહત્વનું છે કે અગાઉ તેજસ પટેલને પદ્મશ્રી સન્માન મળી ચુક્યું છે. ડૉક્ટર તેજસ પટેલે મેડિકલ જગતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ડૉક્ટર તેજસ પટેલે કાર્ડિયોલોજિસ્ટની નવી જનરેશનને તૈયાર કરવામાં પોતાનો સિંહફાળો આપ્યો છે. દેશ-વિદેશમાં રિસર્ચ પેપર રજૂ કરીને તેમણે ભારતનું ગૌરવ વધાર્યું છે. પદ્મભૂષણના સન્માન પર ખુશી વ્યક્ત કરતા ડૉક્ટર તેજસ પટેલે કહ્યું કે મેં મારા દર્દીઓને છેતર્યા નથી અને હું જે શીખ્યો એ બીજાને શીખવ્યાનો આનંદ છે. સરકાર તરફથી સન્માન મણતા ગૌરવની લાગણી અનુભવું છું.
પદ્મશ્રી ડૉ તેજસ પટેલે જણાવ્યુ કે ઍવોર્ડથી સન્માનિત થતા આનંદ અને સંતોષની ચરમસીમાનો અનુભવ થઈ રહ્યો છે. ભારત સરકારે 30 વર્ષમાં કરેલા કામની પ્રશંસા કરી છે. અંગત જીવનમાં આ એક મોટી ઉપલબ્ધિ છે. આ એવોર્ડ દરેકનું સ્વપ્ન છે. હું ભારત સરકારનો આભારી છું. દર્દીઓ,સંશોધન અથવા અન્ય લોકો માટે મેં કરેલી તાલીમ માટે મને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
પદ્મશ્રી ડૉ તેજસ પટેલે કહ્યુ હું એક સામાન્ય વ્યક્તિ છું, હું માનતો નથી કે મેં કંઈ અસાધારણ કર્યું છે. મેં પ્રમાણિકતા સાથે કામ કર્યું છે. હું જે કંઈ જાણતો હતો તે જ્ઞાન ફેલાવવાનો પ્રયત્ન કર્યો. છેલ્લા 17 વર્ષમાં મેં 5000 ડોક્ટરોને તાલીમ આપી છે, જે સંતોષની વાત છે.
પદ્મશ્રી ડૉ તેજસ પટેલે જણાવ્યુ હાલમાં તમામ નાગરિકોને સૂચના આપવામાં આવે છે કે દેશમાં હૃદયના કેસ વધી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે હવે કંઈ પણ થઈ શકે છે. પણ આપણે હકારાત્મક રહેવું પડશે. દેશને આઝાદી મળી ત્યારથી અત્યારે સરેરાશ આયુષ્યમાં 20 વર્ષનો વધારો થયો છે. અત્યારના પ્રમાણમાં દેશ આઝાદ થયો ત્યારે હવા, ખાણી-પીણી બધું જ શુદ્ધ હતું. લોકો ફિટ હતા, છતાં ત્યારના સરેરાશ આયુષ્ય કરતા અત્યારે 20 વર્ષનો વધારો થયો છે. જે હાલની આધુનિક મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના કારણે શક્યું બન્યું છે. આજે આપણે પ્રાથમિક નિવારણના મહત્વને ધ્યાનમાં રાખવાનું છે. યોગને નાનપણથી જ જીવન સાથે જોડવો જોઈએ. શાળાના સમયથી જ સૂવાનો સમય અને ખાવાના સમયનું ધ્યાન રાખવું પડશે. જો આપણે આ કરી શકીએ તો આયુષ્ય વધુ વધશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:44 pm, Fri, 26 January 24