
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્ય પ્રધાનમંડળ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ બે કલાક સુધી ચાલેલી આ મંથન બેઠકમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિ પણ આ બેઠકના મહત્વને દર્શાવે છે. નવા પ્રધાનમંડળની રચના પછી વડાપ્રધાન મોદીની મુખ્યમંત્રી અને સમગ્ર પ્રધાનમંડળ સાથે આ પહેલી સીધી મુલાકાત હતી.
આ બેઠકનો મુખ્ય સૂર પ્રજાલક્ષી કામગીરી અને સુશાસન પર ભાર મૂકવાનો રહ્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાને મંત્રીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે લોકો સાથેની કનેક્ટિવિટી વધારવામાં આવે. સૂત્રો દ્વારા જે માહિતી મળી છે જેમાં સરકારી કાર્યક્રમો અને યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જાહેર કાર્યક્રમોના આયોજન અને તેના પરિપેક્ષમાં પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલો છે.
ખાસ કરીને એવી પણ માહિતી સામે આવી છે કે, વડાપ્રધાને ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસનના સિદ્ધાંતોને વધુ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપવાનું સૂચન કર્યું હતું. તેમણે મંત્રીઓને જણાવ્યું કે લોકોની હેરાનગતિ ઓછી થાય અને સરકારી કામકાજના પરિણામો ઝડપથી મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. રિઝલ્ટ ઓરિએન્ટેશન એટલે કે પરિણામલક્ષી અભિગમ અપનાવીને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારની નીતિઓ અને નિર્ણયો લોકો સુધી ઝડપથી અને અસરકારક રીતે પહોંચે તે માટે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારો તાલમેલ જાળવવા પર પણ ચર્ચા થઈ હતી. સંગઠન મહામંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરી આ વાતને વધુ પ્રબળ બનાવે છે. રાજકીય રીતે, ઘણા મંત્રીઓ પ્રથમ વખત મંત્રી બન્યા છે, અને કેટલાક ધારાસભ્યો પણ પહેલીવાર મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે. આવા નવા મંત્રીઓ માટે આ બેઠક એક પ્રકારની ઔપચારિક પણ ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બની રહી હતી, જ્યાં તેમને વડાપ્રધાન તરફથી સીધા સૂચનો અને દિશાનિર્દેશો મળ્યા હતા.
આ બેઠકનું મહત્વ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં પણ ઘણું વધારે છે. આગામી ચૂંટણી પહેલા પ્રધાનમંડળની કામગીરી, લોકોનો વિશ્વાસ અને વિકાસના કાર્યોને વેગ આપવા માટે આ મુલાકાતને એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહી છે. વડાપ્રધાનની આ મુલાકાત ગુજરાતમાં શાસન અને સંગઠન બંનેને એક નવી દિશા અને ગતિ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. આ બેઠક ગુજરાતના વિકાસ અને જનકલ્યાણના કાર્યોને વધુ ગતિશીલ બનાવવામાં મદદરૂપ થશે.
ગુજરાત બન્યું સેમિકન્ડક્ટરનું કેન્દ્ર, સાણંદમાં પ્રથમ સેમિકન્ડક્ટર ફેસિલિટીનો PM મોદીએ કરાવ્યો પ્રારંભ