અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી તેમજ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી તે તમામ દર્દીઓની ફેરતપાસ કરવામાં આવશે. યુએન હોસ્પિટલ તેમજ સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞોની ટીમ આ દર્દીઓને તપાસશે અને ખરાઈ કરશે કે તેમને સ્ટેન્ટ મુકવાની જરૂર હતી કે કેમ. જો કે એ પહેલા આ તમામ દર્દીઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પાંચ દર્દીઓ પૈકી વધુ એક દિનેશ સાધુ નામના દર્દીની તબિયત લથડી છે. 53 વર્ષિય આ દર્દીને માત્ર કબજિયાતની ફરિયાદ હતી અને તેમને એનેસ્થેસિયા આપ્યા વિના સ્ટેન્ડ મુકી દેવાયુ છે. આજે જ્યારે તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેમને શ્વાસ ચડવાની તકલિફ થઈ હતી અને 108 દ્વારા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડાઈ હતી.
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ તમામ દર્દીઓને અંધારામાં રાખી કઈ હદે રમત રમાઈ હતી તે તમામ આપવિતિ તેઓએ tv9 સમક્ષ જણાવી. દિનેશ સાધુએ જણાવ્યુ કે તેમને માત્ર કબજિયાતની તકલિફ હતી અને તેમને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના સ્ટેન્ટ મુકવા માટે એડમિટ કરી દેવામાં આવ્યા હતા. એટલુ જ નહીં તેમની પાસેથી તેમનો ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો, આથી દર્દી કોઈને ફોન ન કરી શકે
અન્ય એક દર્દીએ tv9 સમક્ષ જણાવ્યુ કે તેમને માત્ર ખજવાળની ફરિયાદ હતી અને તેમને એવુ જણાવાયુ કે તમારુ હ્રદય બરાબર કામ નથી કરી રહ્યુ અને તેમને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના સ્ટેન્ટ મુકી દેવામાં આવ્યુ. હાલ આ દર્દના સ્વજન ન્યાયની માગ કરી રહ્યા છે. જે લોકોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તેમણે જણાવ્યુ કે તેમના સગાને નખમાંય રોગ નહોંતોને એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ અને તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો.
જો કે પ્રથમવાર નથી કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાનના પૈસા પડાવવા માટે આ પ્રકારે કેમ્પ યોજી દર્દીઓને લવાયા હોય. આ અગાઉ 2022માં પણ આ જ પ્રકારની પ્રેકટિસમાં સાણંદના એક પ્રૌઢે જીવ ગુમાવ્યો હતો. તેમા આજ દિન સુધી હોસ્પિટલ સામે કોઈ તપાસ થઈ ન હતી. કોરોના સમયે પણ આ હોસ્પિટલ વિવાદમાં આવી ચુકી છે અને તેને આયુષ્યમાનની યાદીમાંથી ડિલિસ્ટ કરાઈ હતી પરંતુ ખ્યાતિ ગૃપના માલિકનો મોટા ગજાના રાજકારણીઓ સાથે ઘરોબો હોવાથી ગોઠવણ પાડતા આરોગ્ય વિભાગે ફરી આ યોજનામાં ખ્યાતિ હોસ્પિટલનું નામ સામેલ કરી દીધુ હતુ.
તબીબી જગતને કલંક લગાવનારી ઘટના ખ્યાતિ હોસ્પિટલમાં બની છે. જો કે સૌથી મોટો સવાલ એ છે કે અનેકવાર વિવાદોમાં આવી ચુકી હોવા છતા આ હોસ્પિટલનું ના તો લાઈસન્સ રદ કરાયુ છે ના તો તેની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. હાલ હવે 2 લોકોના મોત બાદ આ સમગ્ર કાંડમાં જ્યારે સરકાર ખુદ ફરિયાદી બની છે ત્યારે જોવુ રહેશે કે આ હોસ્પિટલ સામે શું એક્શન લેવાય છે !
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:56 pm, Wed, 13 November 24