સરકાર દ્વારા આઇસીયુ (ICU) અંગે લેવામાં આવેલા નિર્ણયના વિરોધમાં સરકારના એકપક્ષીય નિર્દેશોનો વિરોધ કરવા માટે એલોપેથિક ડોક્ટરોએ હડતાળ પાડવાનો નિર્ણય લીધો છે તારીખ 22/07/2022 ના રોજ રાજ્યના આશરે 10, 000 થી વધુ એલોપેથિક ડોકટરોએ (Doctor) ઓપીડી સહિત ઈમર્જન્સી સેવાઓ માટે હડતાલ જાહેર કરી છે. આ દિવસે ઈમરજન્સી ધરાવતા દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે AMC દ્વારા હોસ્પિટલોને ICU અને ગ્લાસ પાર્ટીશન બાબતે નોટિસ આપવામાં આવી છે. એએમસી દ્વારા આઈસીયુના લોકેશન તેમજ ગ્લાસ ફસાડ અંગેની હાઈકોર્ટની સુચના બાદ અમદાવાદની હોસ્પિટલોને આપેલી નોટિસ બાબતે અમદાવાદ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ એસોસિએશન (આહના) દ્વારા જણાવવામાં આવ્યું કે આઈસીયુ ફરજીયાતપણે ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવું જોઈએ તે સૂચન વૈજ્ઞાનિક તથ્યોથી સંપૂર્ણપણે વિરુદ્ધ દિશામાં છે. તેમણે આ બાબતે રીસર્ચ રીપોર્ટ પણ આપ્યા છે. આહનાના પ્રતિનીધીઓએ જણાવ્યું કે મેડીકલ જરૂરીયાતને અને સાયન્સને ઉપરોક્ત સુચનામાં સંપૂર્ણપણે અવગણવામાં આવેલ છે. દેશ-વિદેશની હોસ્પિટલમાં આગ કેમ લાગે છે તેનું પૃથક્કરણ કરવામાં આવેલ નથી.
આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત રાજ્ય શાખાએ જણાવ્યું હતું કે તાજેતરમાં 30/06/2022 ના રોજ, ગુજરાત હાઈકોર્ટે મૌખિક આદેશ દ્વારા રાજ્ય સરકારને જણાવ્યું હતું કે હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ICU હોવું જોઈએ તેમજ કાચના પાર્ટીશન કરવા વગેરે અંગે અમુક બાબતો લાગુ પાડવા સૂચના આપી હતી. ત્યારે રાજ્યભરની હોસ્પિટલોને 7 દિવસની અંદર તેનું પાલન કરવા નોટિસો મળી રહી છે. જે સંપૂર્ણપણે પાયાવિહોણી અને અતાર્કિક છે. કેટલીક જોગવાઈઓ કે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અને તેનો અમલ શકય નથી તેવો છે જેનો અમલ કરવાનો આગ્રહ વ્યાપકપણે જનતા પર આપત્તિજનક અસર કરી શકે છે.
આ જોગવાઈઓના અમલથી ICU દર્દીઓમાં વધુ ચેપ થવાની સંભાવના છે અને સમગ્ર રાજ્યમાં બેડની સંખ્યામાં પણ ભારે ઘટાડો થશે. આ પ્રકારના અમલથી આઈસીયુમાં વર્તમાન દર કરતાં અનેક ગણો મૃત્યુદરનું વધશે. આ પ્રકારના મૌખિક આદેશની અસર કરતા લાંબા ગાળામાં વિનાશક હોઈ શકે છે. આ ઓર્ડર કરતા પહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અથવા તેની કોઈપણ શાખાને સામેલ કર્યાં કે તેને સાંભળ્યા વિના એકપક્ષીય રીતે પસાર કરવામાં આવ્યો છે અને તેથી તબીબી વ્યાવસાયિકો અને હોસ્પિટલોનો મત ગણકારવામાં જ નથી આવ્યો.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સરકારે તબીબી વ્યાવસાયિકો સહિત તમામ સંબંધિત વિભાગોના સભ્યોની બનેલી એક તકનીકી સમિતિની રચના કરવી જોઈએ અને ચેપ નિયંત્રણના દર ને ધ્યાનમાં રાખી ICU દર્દીઓની સારવારની વૈજ્ઞાનિક પદ્ધતિને ધ્યાનમાં લઈને સંબંધિત માર્ગદર્શિકા બનાવવાની જરૂર જણાય છે.
Published On - 11:08 pm, Wed, 20 July 22