
ધુળેટીના તહેવાર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણીમાં ડૂબી જવાની અનેક દુર્ઘટના બની છે, જેના કારણે ઘણા પરિવારોમાં શોકનો માહોલ સર્જાયો છે. રાજ્યભરમાં અલગ અલગ બનાવમાં કુલ 25 વ્યક્તિઓથી વધુના નદી, તળાવ, કેનાલમાં ડૂબવાથી મોત થયા છે.
અમદાવાદના કોતરપુર વિસ્તારમાં સાબરમતી નદીમાં ડૂબી જવાથી ચાર યુવકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતક યુવકો કુબેરનગર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં દુર્ગેશ કોળી, સાહિલ કોળી, સન્ની યાદવ અને પીયૂષ મહેરચંદા નામના યુવકોનો સમાવેશ થાય છે.
હોળીના તહેવાર દરમિયાન મહીસાગર જિલ્લાના કોઠંબા વિસ્તારમાં પણ કરૂણ દુર્ઘટના બની હતી. રાઘવના મુવાડા પાસે આવેલા નાકા તળાવમાં ડૂબી જવાથી ચાર યુવાનોના મોત થયા હતા. કંતાર ગામના ચારેય યુવાનો તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા, પરંતુ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેઓના કરૂણ મોત થયા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં ચારેય યુવાનોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામે પણ દુર્ઘટના બની હતી. ઝોલાસર તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા છે. ધુળેટીની ઉજવણી બાદ બાળકો તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા, ત્યારે તેઓ ડૂબી ગયા હતા. બાદમાં ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનાને કારણે ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો.
સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં પણ ધુળેટી દરમિયાન દુઃખદ ઘટના બની હતી. કીમ નદીમાં ન્હાવા જતાં સમયે ત્રણ યુવકો ડૂબી જતા તેમના મોત થયા હતા. સ્થાનિક લોકોએ યુવકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા.
Gujarat Mourns 25 Lives Lost in Holi Drownings – Latest 4 in Bardoli River Horror | TV9Gujarati#GujaratHoliTragedy #25Dead #DhulhetiDrowning #MindholaRiver #BardoliAccident #Holi2026 #TV9Gujarati pic.twitter.com/swQZ4Ejl1t
— Tv9 Gujarati (@tv9gujarati) March 4, 2026
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા ગામે તળાવમાં ન્હાવા જતા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. બંને બાળકો ધુળેટી રમવા માટે તળાવ પાસે ગયા હતા, જ્યાં આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા તળાવ પાસે ઉમટી પડ્યા હતા. મોડાસા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. માલપુર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ મૃતક બાળકોની ઉંમર આશરે 10 અને 11 વર્ષ હતી.
અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર નજીક શેત્રુંજી નદીમાં એક યુવક ડૂબી જવાની ઘટના પણ સામે આવી છે. ધુળેટીનો તહેવાર હોવાથી યુવક નદીમાં ન્હાવા માટે ગયો હતો, પરંતુ તે ડૂબી ગયો હતો. અમરેલી ફાયર વિભાગે સ્થળ પર પહોંચી યુવકની લાશ નદીમાંથી બહાર કાઢી હતી. મૃતક યુવક અમરેલીના બહારપરા વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પણ કેનાલમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. થોળ રોડ પર આવેલી કેનાલમાં ધુળેટીની ઉજવણી બાદ યુવક ન્હાવા માટે ઉતર્યો હતો, ત્યારે તે ડૂબી ગયો હતો. તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
બીજી તરફ મહેસાણા જિલ્લાના મોટીદઉ નજીક સુજલામ સુફલામ કાચી કેનાલમાં ધુળેટીના દિવસે દુઃખદ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ધુળેટીના પર્વ નિમિત્તે ચાર યુવાનો કેનાલમાં ન્હાવા માટે ઉતર્યા હતા, દરમિયાન તેઓ ડૂબવા લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને તરવૈયાઓ તરત જ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં ચાર યુવાનોમાંથી બે યુવાનોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો, જ્યારે બે યુવાનોના કરૂણ મોત થયા છે. ઘટનાની માહિતી મળતા મહેસાણા ગ્રામ્ય મામલતદાર સહિત તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ધુળેટીના તહેવાર દરમિયાન બનેલી આ તમામ દુર્ઘટનાઓને કારણે રાજ્યભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અને તંત્રએ લોકોને નદીઓ, તળાવો અને કેનાલ જેવા ઊંડા પાણીવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે.
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ, જુઓ Video