Ahmedabad: હાર્દિક પટેલે ફરી ઘસાઈ ગયેલી ટેપ વગાડીઃ પાટીદારો સામેના કેસ પાછા નહીં ખેચાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
હાર્દિકે કહ્યું કે યુવાનોને ન્યાય અપાવવા કોંગ્રેસમાંથી રાજીનામુ આપવું પડશે તો રાજીનામું પણ આપી દઈશ, પણ યુવાનો માટે લડત ચલાવીશ, તેણે સરકારમાં રહેલા સમાજના અગ્રણીઓને કહ્યું કે જો સરકાર તેમનું ન સાંભળે તો તેણે રાજીનામા આપી દેવાં જોઈએ
ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસ (Congress) ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) ફરી પાટીદાર આંદોલન વખતે યુવાનો પર થયેલા કેસ પાછા ખેચવાની વાત કરી છે. આજે હાર્દિક પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જો 23 માર્ચ પહેલાં પાટીદારો (Patidar) સામેના કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે.
અનામત આંદોલનમાં કેસ પાછા ખેંચવામાં આનંદીબેન, વિજયભાઈ અને ભુપેન્દ્રભાઈની સરકાર નિષ્ક્રિય હોવાના આક્ષેપ તેણે કર્યા છે. તેણે કહ્યું કે આનંદીબેનના સમયમાં 146 જેટલા કેસ પરત લેવાયા હતા, પણ અમારી માગણી છે કે તમામ કેસ પાછા ખેચવામાં આવે. તેણે એમ પણ કહ્યું કે કેસ પરત લેવા માટે જરૂર પડ્યે ફરી આંદોલન કરીશું.
હાર્દિકે કહ્યું કે સરકાર સમાજને ગુમરાહ કરી રહી છે. અમે દરેક વિસ્તારમાં જઈને પાટીદાર યુવાનોને મળશું. દરેક વિસ્તારના ધારાસભ્યોને મળીને સરકારમાં રજુઆત કરવા જણાવીશું અને જો ધારાસભ્ય નહીં મળે તો તેમની સામે ધરણા પણ કરશું. અમે 23 માર્ચ બાદ મોટી જનસભાઓ યોજીશું.
હાર્દિકે ત્યાં સુધી કહ્યું કે યુવાનોને ન્યાય અપાવવા કોંગ્રેસમાંથી રાજીનામુ આપવું પડશે તો રાજીનામું પણ આપી દઈશ, પણ યુવાનો માટે લડત ચલાવીશ. તેણે સરકારમાં રહેલા સમાજના અગ્રણીઓને પણ સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે બાબુ જમનાદાસ સમાજના પ્રમુખ છે તો તે પણ સરકારને રજુઆત કરે. તેમણે સમાજના આગેવાનોને કહ્યુ કે જો સરકાર તેમનું ન સાંભળે તો તેણે રાજીનામા આપી દેવાં જોઈએ.
જયરાજસિંહ મામલે હાર્દિકે કહ્યું કે કોંગ્રેસે જયરાજસિંહને ઘણુ આપ્યું છે, જયરાજસિંહ પોતાના સ્વાર્થ માટે જઈ રહ્યા છે. જયરાજ સિંહ કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ વિરુદ્ધ બહુ બોલ્યા છે. જયરાજસિંહને કહીશ કે હવે સરકારને રોજગારી, શિક્ષણ વિશે જાણ કરે. તેણે એમ પણ કહ્યું તે તેણે સત્તાના ખોળામાં ના બેસવું જોઈએ, કારણ કે એનાથી તમે તાનાશાહી અને અપરાધીઓને મજબૂત બનાવો છો.
આ પણ વાંચોઃ બે વર્ષ બાદ આજથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન ચાલશે, વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે