વિશ્વ ઉમિયાધામના અગ્રણી આર.પી. પટેલે લગ્ન નોંધણીમાં કરાયેલા સુધારાને આવકાર્યો, તો માતાપિતાને પણ કરી આ ટકોર- Video

વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના અગ્રણી આર.પી. પટેલે લગ્ન નોંધણી અધિનિયમ 2006માં કરાયેલા સુધારાને આવકાર્યો છે અને સરકારને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેમણે લગ્ન નોંધણીમાં રજૂ કરવામાં આવતા દસ્તાવેજની ખરાઈ કોના દ્વારા થવી જોઈએ તે બાબતે પણ એક રજૂઆત સૂચવી છે.

| Edited By: | Updated on: Feb 20, 2026 | 3:16 PM

રાજ્ય સરકાર ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ના નિયમોમાં મોટાપાયે સુધારા કરવા જઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અનેક સામાજિક સંસ્થાઓ પ્રેમલગ્ન અંગે કડક કાયદો બનાવવાની માગ કરી રહી હતી. જેના પર વિચાર કરતા રાજ્ય સરકાર પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવા અને પારદર્શિતા લાવવા લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સામાજિક મુદ્દા પર લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયને વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલે આવકાર્યો છે. તેમણે કહ્યુ કે સરકારને આ નિર્ણય માટે અભિનંદન પાઠવુ છુ. કારણ કે અમે સતત વર્ષ 2022 થી આ અંગે સરકારને અનેક લેખિત રજૂઆતો કરી છે. ત્યારે સંવેદના સાથે એ રજૂઆતોને ધ્યાને લઈ તેના પર અમલવારી કરવી તે આવકાર્ય છે.

“લગ્નમાં માતા-પિતાની પરવાનગી ફરજિયાત કરવા અંગે અનેક વખત કરી હતી રજૂઆત”

વધુમાં આર.પી.પટેલે જણાવ્યુ કે હિંદુ સમાજની દીકરીઓને ડરાવી, ધમકાવી, પ્રેમજાળમાં ફસાવી તેની સંમતિ મેળવીને લગ્નની નોંધણી કરાવી લેવી. આ લગ્ન બાદ અનેક કિસ્સાઓમાં દીકરીઓ હેરાન થતી હોવાના કિસ્સા સામે આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં છેતરપિંડીના કિસ્સા પણ સામે આવ્યા છે. દીકરીઓની મિલકતમાં ભાગ પડાવવા માટેના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. જેના કારણે માતાપિતાની હાલત ઘણી કફોડી બની જતી હતી. તે વેદનાને આજે ચોક્કસથી વાચા મળી છે. સરકારની લગ્નનોંધણીની જાહેરાતમાં માતાપિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવી છે. ઉમિયા ફાઉન્ડેશ દ્વારા પણ એવી જ રજૂઆત કરાઈ હતી કે પ્રેમલગ્નની નોંધણીમાં માતાપિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. ખાસ કરીને માતાપિતાને આ લગ્નની જાણ તો થવી જ જોઈએ.આ બાબતે સરકારે જે નિયમમાં જોગવાઈ કરી છે કે માતાપિતાને લગ્નની નોંધણીની જાણ કરવામાં આવશે. . જેનાથી લવ જેહાદ જેવા કિસ્સાઓ પર રોક લાગશે.

આ ફેરફારથી હિંદુ દીકરીઓને ફોસલાવીને લગ્ન થતા અટકશે

આર.પી. પટેલે એ પણ ટકોર કરી કે માતાપિતાને લગ્નનોંધણી અંગે જાણ થાય તે રજિસ્ટર એેડીના માધ્યમથી થાય, જેથી કરીને ચોક્સાઈપૂર્વક આ જોગવાઈનો અમલ થાય તે જરૂરી છે. લગ્નની નોંધણીમાં રજૂ કરાતા દસ્તાવેજોને વેરિફાય કરવામા આવે અને PI કક્ષાના અધિકારી દ્વારા ખરાઈ સર્ટીફિકેટ આપવામાં આવે તો આ સમગ્ર પ્રકિયા વધુ પારદર્શક બનશે. લગ્ન નોંધણી માટે 30 દિવસના વાંધા-સૂચનો રજૂ કરવા માટેનો જે સમય આપ્યો છે તેમા પણ અન્ય વધારે શું થઈ શકે તે માટે વિશ્વ ઉમિયાધામ રજૂઆત કરશે. આ સાથે આર.પી.પટેલે માતાપિતાને પણ ટકોર કરી કે તેમના સંતાનોની યોગ્ય સંભાળ લેવી જોઈએ અને તેમની સાથે મિત્ર બનીને વ્યવહાર કરવો જોઈએ.

સંપત્તિ માટે લગ્ન કરવાની ઘટનાઓ પણ ઘટશે

આર.પી.પટેલે એ વાત પર ખાસ ભાર મુક્યો કે મોટાભાગના પ્રેમલગ્ન અંગે માતાપિતાને જાણ કરવામાં આવતી નથી. જે દીકરીને માતાપિતાએ 20 વર્ષ સુધી લાડકોડથી ઉછેરીને મોટી કરી હોય તે કોની સાથે લગ્ન કરે છે તેની જાણ માતાપિતાને હોવી જોઈએ. આ સાથે તેમણે જણાવ્યુ કે દીકરીના સંપત્તિવાળા કેસમાં પણ સરકાર ધ્યાન આપે એ જરૂરી છે અનેક કિસ્સાઓમાં દીકરીની સંપત્તિ પડાવવા માટે છેતરીને લગ્ન કરવામાં આવતા હોય છે. તદ્દઉપરાંત માતાપિતાની સંમત્તિ માટે અસામાજિક તત્વો દ્વારા દબાણ  ઉભુ કરવામાં ન આવે તેમજ ફર્જી માતાપિતા ઉભા કરીને નોંધણી કરાવી લેવામાં ન આવે તે જોવુ પણ જરૂરી છે.

Input Credit- Narendra Rathod– Ahmedabad

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર TDS કપાતો કેવી રીતે બચાવશો– જાણી લો વર્ષ 2026ના નવા નિયમો