અમદાવાદથી ભાવનગરનું અંતર ઘટશે, ગુજરાતને મળશે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ, જાણો

હાલમાં ભાવનગરથી અમદાવાદ જવા માટેની રેલવે લાઇન ધોળા, ઢસા, બોટાદ, ધંધૂકા, ધોળકા અને સરખેજ જેવા સ્ટેશનો પરથી પસાર થાય છે. પરંતુ ભવિષ્યમાં ભાવનગર-ધોલેરા-સરખેજના માર્ગે રેલવે દોડશે. નવા રેલવે કનેક્ટિવિટી પ્રોજેક્ટથી મુસાફરી વધુ ઝડપી અને સરળ બનવાની શક્યતા છે.

અમદાવાદથી ભાવનગરનું અંતર ઘટશે, ગુજરાતને મળશે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ, જાણો
| Updated on: May 15, 2026 | 6:09 PM

ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. અમદાવાદથી ધોલેરા સુધી દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલવે કોરિડોર તૈયાર થવા જઈ રહ્યો છે, જે ભવિષ્યમાં ભાવનગર સુધી વિસ્તરશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભાવનગરથી અમદાવાદ વચ્ચેનું અંતર અને મુસાફરીનો સમય બંનેમાં નોંધપાત્ર ઘટાડો થશે.

સરખેજથી ધોલેરા સુધીનો કોરિડોર

કેન્દ્રીય કેબિનેટ દ્વારા અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. સરખેજથી ધોલેરા સુધીનો આ કોરિડોર બ્રોડગેજ લાઈન પર તૈયાર થશે, જેમાં ટ્રેનો આશરે 200 થી 220 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. આ પ્રકારનું નેટવર્ક ભારતમાં પ્રથમવાર વિકસાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદ રેલવે ડિવિઝનના DRM વેદ પ્રકાશે જણાવ્યું કે સાબરમતીથી સરખેજ વચ્ચે લગભગ 23 કિલોમીટરની ડબલ રેલવે લાઈનનું કામ હાલમાં ચાલી રહ્યું છે. સરખેજથી બાવલિયારી સુધીનો ટ્રેક એવી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવશે કે જ્યાં ટ્રેનો 220 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે. આ સમગ્ર પ્રોજેક્ટમાં ‘કવચ 5.0’ જેવી આધુનિક સુરક્ષા ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.

રેકમાં 100 ટનથી વધુ સામાન પરિવહનની સુવિધા

પ્રોજેક્ટની વિશેષતા એ છે કે આ કોરિડોર માત્ર પેસેન્જર ટ્રેનો માટે નહીં, પરંતુ માલ પરિવહન માટે પણ ઉપયોગી બનશે. એક રેકમાં 100 ટનથી વધુ સામાન પરિવહન કરી શકાશે. ધોલેરા, પોર્ટ અને એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળતા સેમિકોન અને અન્ય ઉદ્યોગોને પણ મોટો ફાયદો મળશે.

ધોલેરા એરપોર્ટ સ્ટેશન સાબરમતીથી અંદાજે 95 કિલોમીટર દૂર રહેશે. આ રેલ નેટવર્ક દ્વારા દરિયાઈ, હવાઈ અને જમીન માર્ગ વચ્ચે સરળ જોડાણ ઉભું થશે, જેના કારણે સમગ્ર વિસ્તારના ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે. ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું કે આ પ્રોજેક્ટથી મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે અને ભવિષ્યમાં આશરે 20 લાખ લોકો આ વિસ્તારમાં વસવાટ કરશે.

પ્રોજેક્ટનો આશરે 55 ટકા ભાગ એલિવેટેડ

વેદ પ્રકાશે વધુમાં જણાવ્યું કે પ્રોજેક્ટનું કામ શરૂ થઈ ગયું છે અને આગામી ચાર વર્ષમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 80 ટકા જમીન સંપાદન પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રોજેક્ટનો આશરે 55 ટકા ભાગ એલિવેટેડ રહેશે જ્યારે બાકીના ભાગમાં જમીન સ્તરે ટ્રેક બનાવાશે.

બાવલિયારીથી ભાવનગર સુધીના રૂટ માટે હાલમાં સર્વે કામગીરી ચાલી રહી છે, જે ડિસેમ્બર સુધી પૂર્ણ થવાની શક્યતા છે. ત્યારબાદ ભાવનગરને ધોલેરા અને સરખેજ સાથે સીધી રેલ કનેક્ટિવિટી આપવામાં આવશે. આ કનેક્ટિવિટીથી ભાવનગરથી અમદાવાદ સુધીની મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે.

ધોલેરામાં હાલ 1500 ફ્લેટના નિર્માણનું કામ

ધોલેરા SIRના મેનેજિંગ ડિરેક્ટર કુલદીપ આર્યાએ જણાવ્યું કે ધોલેરા હાઈવેની બાજુમાં 30 મીટરના પટ્ટામાં હાઈસ્પીડ રેલવે ટ્રેક વિકસાવવામાં આવશે. ધોલેરામાં હાલ 1500 ફ્લેટના નિર્માણનું કામ ચાલી રહ્યું છે અને અનેક રહેણાંક પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકારે રહેણાંક ક્વાર્ટર માટે ખાસ બજેટ પણ ફાળવ્યું છે.

આ સમગ્ર પ્રોજેક્ટને ગુજરાતના વિકાસ માટે ગેમચેન્જર માનવામાં આવી રહ્યો છે. સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર રાજ્યમાં પરિવહન, ઉદ્યોગ અને રોજગારીના નવા દ્વાર ખોલશે.

ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી

Follow Us