કહેવાતા ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે અને આ દારૂબંધી ઉપર રાજકારણ પણ થતુ રહે છે. કેટલાક પક્ષો દારૂબંધી હટાવવા માંગ કરી રહ્યા છે તો વળી કેટલાક રાજકારણીઓ ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવો જ જોઈએની તરફેણ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે આજે અમે આપને રાજ્યમાં દારૂ અંગે શું પરિસ્થિતિ છે તેને આંકડામાં વિગતવાર સમજાવીએ.
રાજ્યમાં જે જગ્યા પર સ્થાનિક પોલીસ દારૂ પકડી શકતી નથી અથવા પકડવા માંગતી નથી તે જગ્યાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પકડવામાં આવતી હોય છે. SMC દ્વારા વર્ષ 2024 માં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે.
જો વર્ષ દરમ્યાન SMC ની કામગીરીના આંકડા જોઈએ તો જાન્યુઆરીથી ડિસેમ્બર એટલે કે એક વર્ષમાં SMC દ્વારા રાજ્યમાં કૂલ 455 કેસ કરવામાં આવ્યા. જેમાંથી 22.51 કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે અને કુલ 51.93 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સમગ્ર વર્ષમાં ચાર મેટ્રો સિટીમાંથી કહેવાતી સંસ્કારી નગરી વડોદરા શહેરમાંથી સૌથી વધુ દારૂ પકડાયો છે. બીજી તરફ વડોદરા ગ્રામ્ય, મહેસાણા, ગોધરા, સુરત ગ્રામ્ય, નવસારી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પણ 1 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો પકડાયો છે.
મહત્વનું છે કે SMC દ્વારા ફક્ત દારૂ જ નહીં જુગારના પણ વર્ષ દરમ્યાન 155 જેટલા કેસ કરવામાં આવ્યા છે જેમાં 80 લાખથી વધુને રોકડ તેમજ 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત શેરબજાર- કોલસેન્ટર, પેટ્રોલ ડિઝલ ચોરી, કેમિકલ ચોરી, કોલસા ચોરી સહિતના કેસો પણ કરવામાં આવ્યા છે. બીજી તરફ એસએમસી દ્વારા ગુજરાતના ગુનાઓમાં નાસ્તા ફરતા 76 સહિત અન્ય રાજ્યના ગુનાઓમાં નાસ્તા ફરતા 92 આરોપીઓની પણ ધરપકડ કરી છે.
SMC ની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પોલીસની સક્રિયતા વધતા હવે બુટલેગરો મોટા વાહનોને બદલે નાના નાના વાહનોમાં અને ગામડાઓના રસ્તે ગુજરાતમાં દારૂ ઘુસાડે છે. SMC એ રાજસ્થાન, MP સહિતના રાજ્યોમાંથી મુખ્ય સપ્લાયરોની ચેઇન તોડી પાડતા હવે રાજ્યમાં દારૂ ઓછી માત્રામાં પ્રવેશ થઈ રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે SMC એ કરેલી કામગીરીના ગત વર્ષ માં આંકડા હવે સ્થાનિક પોલીસની કામગીરી પર જરૂર સવાલ કરે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:37 pm, Fri, 3 January 25