ગુજરાત યુનિવર્સિટી દેશની એવી પ્રથમ સરકારી યુનિવર્સિટી બનશે કે જ્યાં એકસાથે 7 વિદેશી ભાષાઓ ફૂલ ટાઈમ અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં ભણાવવામાં આવે. વિદ્યાર્થીઓમાં વિદેશ જવાનો ક્રેઝ, મલ્ટીનેશનલ કંપનીઓની ગુજરાતમા એન્ટ્રી તેમજ ઓલિમ્પિક ગુજરાતમાં યોજાવાની શક્યતાઓને લઈ અંગ્રેજી સિવાયની અન્ય વિદેશી ભાષાઓ પણ વિદ્યાર્થીઓ શીખે તે માટે દેશમાં પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ સાત ભાષાના અભ્યાસ કરાવવામાં આવશે.
ગુજરાત વૈશ્વીક ફલક પર છવાયું છે ત્યારે વૈશ્વીક ભાષાઓના જાણકાર ગુજરાતમાં હોય એ બાબતને ધ્યાને રાખી ગુજરાત યુનિવર્સિટી ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટની શરૂઆત કરશે. 2036 ઓલિમ્પિક માટેની તૈયારીઓ, મલ્ટીનેશનલ કંપનીઓની ગુજરાતમાં એન્ટ્રી અને જી-20 સહિતની વૈશ્વીક ઇવેન્ટ રાજ્યમાં થઈ રહી છે. ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓ અન્ય ભાષાના જાણકાર બને અને ભવિષ્યમાં અન્ય ભાષાના દુભાષીયાની ઉભી થનાર માંગને લઈ ગ્રાન્ટેડ કોલેજની જેમ જ ગુજરાત યુનિવર્સિટીમાં ફોરેન લેન્ગવેજ ડિપાર્ટમેન્ટ શરૂ થશે.
અત્યારે અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ ભાષાના કોર્સિસ ચાલે છે. જે મોટા ભાગે સર્ટિફિકેટ કોર્સ હોય છે. એક જ જગ્યાએ અલગ અલગ સાત ભાષાના કોર્સ સમગ્ર ભારતમાં ક્યાંય ચાલી રહ્યા નથી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત આ પ્રકારના કોર્સ ચાલુ કરવામાં આવશે. આ તમામ કોર્સ UG, PG, PHD અને ડિપ્લોમાના હશે.
આ કોર્સ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાયમી પ્રોફેસરની ભરતી કરવામાં આવશે. જર્મની, ફ્રેન્ચ, સ્પેનિશ, કોરિયન, ચાઇનીઝ, તિબેટીયન, અરેબિક સહિતના કોર્સ ભણાવવામાં આવશે. આ તમામ કોર્સ માટે ફોરેન લેન્ગવેજ ડિપાર્ટમેન્ટ ઉભુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને અન્ય ગ્રાન્ટેડ કોર્સની જેમ જ ઓછી ફી એ પ્રવેશ મળશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ નીરજા ગુપ્તા એ જણાવ્યું કે તાજેતરમાં G-20 સમિટ, વાયબ્રન્ટ ગુજરાત જેવી મલ્ટી ઇવેન્ટમાં ઇંગ્લિશ સિવાયની અન્ય વિદેશી ભાષાના જાણકારની જરૂર હોય ઉભી થઇ હતી. 2036 ઓલિમ્પિક પણ અમદાવાદમાં યોજાવાની શકયતા છે ત્યારે પણ આ પ્રકારના ભાષાના જાણકાર વ્યક્તિઓની જરૂર ઊભી થશે. જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જૂન મહિનાથી 7 વિદેશી ભાષાના કોર્સ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરાવવામાં આવશે.