
અમદાવાદમાં ફરી એક વખત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરની 10થી વધુ શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. ઈ-મેઈલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, આ ધમકીભર્યા ઈ-મેઈલમાં ખાલિસ્તાની નેશનલ આર્મીનું નામ સામે આવ્યું છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલને પણ ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હોવાની માહિતી છે. ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ શાળાઓમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
ધમકીની જાણ થતાં વાલીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. કેટલીક શાળાઓમાં વાલીઓને પોતાના બાળકોને શાળામાંથી ઘરે લઈ જવા માટે સૂચના આપવામાં આવી હતી. સમગ્ર મામલે શાળા સંચાલકો દ્વારા પોલીસ અને સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS)ની ટીમ દ્વારા પણ શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. શાળા પરિસરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી છે કે નહીં તે અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આ પહેલાં પણ અમદાવાદ સહિત ગુજરાતની કેટલીક શાળાઓ અને મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. તાજેતરની ધમકીમાં ગુજરાત હાઈકોર્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ નિશાન બનાવવાની ધમકી હોવાની માહિતી સામે આવી છે.
હાલ સમગ્ર મામલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકી પાછળ કોણ છે અને ઈ-મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સંબંધિત સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે.
PM મોદીએ સેટ કર્યો 2047 નો ટાર્ગેટ, સત્તામાં 25 વર્ષ પૂર્ણ થવા પર આપી દેશના લક્ષ્યની રૂપરેખા
Published On - 11:53 am, Wed, 7 October 26