Gujarat Election 2022: કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધ, અમદાવાદમાં NSUIના કાર્યકરોએ કોલેજ કરાવી બંધ, ભરૂચ હાઈવે પર સળગાવાયા ટાયરો
ગુજરાત કોંગ્રેસ દ્વારા (gujarat congress) આજે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી સાંકેતિક બંધનું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે મોંઘવારી, (inflation) બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં ગુજરાત બંધનું એલાન આપ્યું છે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઈને હવે વિવિધ રાજકીય પક્ષો ધીરે ધીરે જનતાને આકર્ષવા મેદાનમાં ઉતર્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા (gujarat congress) આજે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી સાંકેતિક બંધનું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે મોંઘવારી, (inflation) બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં ગુજરાત બંધનું એલાન આપ્યું છે જેને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
અમદાવાદમાં NSUIના કાર્યકરોએ શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું
અમદાવાદમાં ગુજરાત બંધને સફળ બનાવવા NSUIના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી હતી. કાર્યકરો દ્વારા શહેરની GLS તેમજ સેન્ટ ઝેવિયર્સ કોલેજ બંધ કરાવવામાં આવી હતી. કોંગ્રેસે તમામ વેપારીઓને સ્વૈચ્છિક બંધમાં જોડાવા અપીલ કરી છે. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકારો અલગ અલગ વિસ્તારમાં ફરી બંધ માટે અપીલ કરશે . તેમજ જગદીશ ઠાકોર બંધની અપીલ માટે રસ્તા પર ઉતર્યા હતા. આ કાર્યક્રમમાં સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ બંધની અપીલ માટે રસ્તાઓ પર ઉતરશે.
બંધને મિશ્ર પ્રતિસાદ
આ બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. વડોદરામાં કોંગ્રેસના નેતાઓએ વેપારીઓને દુકાનો બંધ કરવા માટે વિનંતી કરી હતી. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત vmcમાં વિપક્ષ ના નેતા અમી રાવત સહિત સ્થાનિક કાર્યકરો નિઝામપુરા વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા.
વિરમગામમાં બંધનો ફિયાસ્કો
વિરમગામ શહેરમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ગુજરાત બંધનો ફિયાસ્કો જોવા મળ્યો હતો અને શહેરમાં બંધની અસર જોવા મળી નહોતી. તેમજ વિરમગામમાં બજાર બંધ કરાવવા જતા કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહીતના હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી હતી. સુત્રોચ્ચાર સાથે વિરોઘ કરી દુકાનો બંઘ કરાવવા જતા ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ, કોંગ્રેસ મહામંત્રી અલીસગર પટેલ ભરત ભરવાડ સહીત કોંગ્રેસ હોદ્દેદારો કાર્યકર્તાઓ પોલીસે અટકાયત કરી હતી.
ભરૂચમાં ટાયરો સળગાવી વાહન અટકાવવાનો પ્રયાસ
કોંગ્રેસે આપેલા ગુજરાત બંધના એલાન દરમિયાન વહેલી સવારે ભરૂચ દહેજ રોડ પર ટાયરો સળગાવી વાહન વ્યવહાર અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.