Breaking News : ગુજરાતમાંથી ઝડપાયા જેહાદી વિચારધારા ધરાવતા સાયબર આતંકી, જુઓ ATS ની કાર્યવાહીનો Video

ગુજરાત ATS એ એક મોટા સાઇબર હુમલાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ભારતીય સરકારની વેબસાઇટ્સ પર હુમલા કર્યા હતા અને તેઓ જેહાદી વિચારધારાથી પ્રેરિત હોવાનું જણાયું છે.

Breaking News : ગુજરાતમાંથી ઝડપાયા જેહાદી વિચારધારા ધરાવતા સાયબર આતંકી, જુઓ ATS ની કાર્યવાહીનો Video
| Updated on: May 20, 2025 | 10:09 PM

ગુજરાતના એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારાઆતંકવાદના એક મોટા કેસમાં સફળતા મેળવી છે. ATSની ટીમે નડિયાદથી બે લોકોની ધરપકડ કરી છે, જેઓ ભારતીય સરકારી વેબસાઈટ્સ પર સાઇબર હુમલાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ જેહાદી વિચારધારાથી પ્રેરિત હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાયું છે.

ઓપરેશન ‘સિંદૂર’ અંતર્ગત મોટી કાર્યવાહી

મળતી માહિતી મુજબ, ઓપરેશન ‘સિંદૂર’ના ભાગરૂપે ATSએ આ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓએ વિદેશી અને દેશવિરોધી જૂથો સાથે જોડાઈને ભારતીય ડિફેન્સ, એવિએશન અને કેન્દ્ર સરકારની વેબસાઈટ્સને નિશાન બનાવી હતી.

માત્ર મેટ્રિક સુધી ભણેલા, પણ ઓનલાઇન માધ્યમથી શીખ્યું હેકિંગ

આરોપી જાસીમ અંસારી અને તેનો સાથી નડિયાદના રહેવાસી છે. તેઓ માત્ર ધોરણ 10 સુધી ભણ્યા છે, પરંતુ YouTube અને અન્ય ઑનલાઇન પ્લેટફોર્મની મદદથી હેકિંગનાં કૌશલ્યમાં નિપુણ થયા હતા. બંને છેલ્લા 6 થી 8 મહિનાથી સક્રિય હતા અને ટેલીગ્રામ જેવા પ્લેટફોર્મ પર દેશવિરોધી સામગ્રી વહેંચતા હતા.

એપ્રિલ અને મેમાં અનેક સરકારી વેબસાઇટ્સ પર હુમલા

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એપ્રિલ મહિનામાં આશરે 50 જેટલી સરકારી વેબસાઇટ્સ પર અને 7 મેના રોજ વધુ 20થી વધારે સાઇબર હુમલાઓ કરવામાં આવ્યા હતા. આરોપીઓ DDOS હુમલાઓ, હેકિંગ અને ભારતીય વેબસાઈટ્સ પર દેશવિરોધી પોસ્ટ મૂકવામાં સંડોવાયેલા હતા.

હેકિંગના અભ્યાસ અને ડિજિટલ પુરાવાઓ મળ્યા

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા મોબાઇલ અને ડિજિટલ સાધનોની તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળ્યા છે. આરોપીઓએ બેકઅપ ચેનલ બનાવી રાખી હતી જેથી માહિતી સતત તેમના અનુયાયીઓ સુધી પહોંચતી રહે.

આરોપીઓ સામે IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

હાલની માહિતી પ્રમાણે આરોપીઓએ કોઈ પણ રીતે ધમકી આપી કે પૈસા માંગ્યા હોવા અંગે કોઇ પુરાવો સામે આવ્યો નથી. બંને આરોપીઓ ધોરણ 12ના પેપર નાપાસ છે. તેમની સામે IT એક્ટ 43 અને 66(f) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસની કામગીરી ચાલુ છે, જેમાં બેંક ખાતાં અને અન્ય સંભવિત લિંક્સ પણ તપાસવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:00 pm, Tue, 20 May 25