
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન દેશ માટે અગત્યના મુદ્દા — જાતિ જનગણના — પર દ્રઢ અવાજ ઉઠાવ્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મને માત્ર ગણતરી નહીં કરવી, પણ જાણવું છે કે દેશમાં કોની કેટલી ભાગીદારી છે.”
તેમના ભાષણમાં તેમણે એવી ગહન ચિંતાઓ વ્યક્ત કરી કે દેશના દલિત, પછાત, અતિ પછાત, લઘુમતી અને આદિવાસી સમુદાયો સમાજના તળિયે છે, પરંતુ તેમની ભાગીદારી શૂન્ય જેવી છે — ખાસ કરીને કોર્પોરેટ જગત અને સિનિયર મેનેજમેન્ટમાં.
રાહુલ ગાંધીએ કહ્યું, “તેલંગાણામાં 90 ટકા વસતી પછાત વર્ગોની છે, છતાં મોટા પદો પર તેમનો અવાજ સાંભળવામાં નથી આવતો. દેશનો એક્સ રે થવો જોઈએ,”
રાહુલ ગાંધીના મંતવ્યો મુજબ, જાતિજનગણના માત્ર આંકડા મેળવવાની પ્રક્રિયા નથી, તે દેશના વર્ગો વચ્ચેના વાસ્તવિક સંતુલનને સામે લાવવાનો પ્રયાસ છે. તેમણે પીએમ મોદીને સંસદમાં ખુલ્લેઆમ આ હકીકત જાણવા માટે માંગણી કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું “મોદીજી અને RSS જાતિ જનગણના કરવા તૈયાર નથી. તેઓ આ હકીકત છુપાવા માગે છે. અમે છુપાવવાને બદલે સીધો રાસ્તો પસંદ કરીએ છીએ. લોકસભા અને રાજ્યસભામાં જાતિ જનગણનાનો કાયદો પસાર કરીશું,”
તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ હવે જાતિ આધારિત ન્યાય અને સમાન ભાગીદારી માટે લડતને મુખ્ય એજન્ડા બનાવશે. એ ધ્યેય છે — “દરેક ભારતીયને ઓળખ આપવી અને દેશના વિકાસમાં દરેક વર્ગની હાજરી સુનિશ્ચિત કરવી.”
Published On - 6:30 pm, Wed, 9 April 25