અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તાર રહેતા ઘૂસણખોરોના આતંકી કનેક્શનનો ઘટસ્ફોટ, અલ-કાયદા સાથે કનેક્શન હોવાનો ખુલાસો

અમદાવાદમાં ચંડોળા તળાવમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓમાં કેટલાકનો આતંકી કનેક્શનનો ઘટસ્ફોટ થયો છે. આ ઘૂસણખોરોનું અલ-કાયદા સાથે કનેક્શન સામે આવ્યુ છે. વર્ષ 2022માં ગુજરાત ATSએ ચંડોળામાંથી જ અલ-કાયદાના એક આતંકીને ઝડપ્યો હતો.

| Edited By: | Updated on: Apr 29, 2025 | 7:05 PM

અમદાવાદનું ચંડોળા તળાવમાં મેગા ગેરકાયદે વસતા બાંગ્લાદેશી ઘૂસણખોરોના રહેઠાણો પર તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી ગઈકાલ મધરાતથી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 3 હજારથી વધુ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. અમ્યુકોની દબાણ ખાતાની ટીમે 2 હજારથી વધુ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી ચંડોળા તળાવ આસપાસ કરાયેલા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે. જો કે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં વસતા બાંગ્લાદેશીઓ ન માત્ર રોજી રોટી માટે અહીં આવે છે. પરંતુ અનેક પ્રકારની ગેરકાયદે અને દેશવિરોધી પ્રવૃતિઓ સાથે પણ સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. અહીં વસતા બાંગ્લાદેશી ઘૂસણખોરોનું આતંકી કનેક્શન પણ સામે આવ્યુ છે. અલ-કાયદા જેવા ખૂંખાર આતંકવાદીઓ સાથે આ ઘૂસણખોરોનું કનેક્શન ખૂલ્યુ છે.

આતંકી કનેક્શન સામે આવતા 4 બાંગ્લાદેશી ઘૂસણખોરની અટકાયત પણ કરવામાં આવી છે. સમગ્ર ચંડોળા તળાવ વિસ્તારમાં અનેક વસાહતો ઉભી કરી દેવામાં આવી હતી. જ્યાં આ બાંગ્લાદેશીઓ નક્લી આધારા પૂરાવા સાથે રહેતા હતા અને ડ્રગ્સ રેકેટ, પ્રોસ્ટીટ્યુશન, આંતકીઓની મદદ કરવા જેવી અનેક દેશવિરોધી અને ગેરકાયદે પ્રવૃતિઓ કરતા હતા. છેલ્લા 10 થી 12 વર્ષથી મોટાપાયે બાંગ્લાદેશી ઘૂસણખોરોએ અહીં આખી એક મોટી વસાહત ઉભી કરી દીધી હતી અને આસપાસના લોકોમાં એવો ડરનો માહોલ ઉભો કર્યો હતો કે તેમની સામે કોઈ કંઈ બોલવા પણ તૈયાર ન હતુ.

ચંડોળામાંથી માદક પદાર્થોની હેરાફેરીનું આખુ એક રેકેટ ચાલતુ હોવાનું પણ સામે આવ્યુ છે. આ વિસ્તારને આ લોકોએ પોતાની ધાકથી એટલો સંવેદનશીલ બનાવી દીધો હતો કે સામાન્ય માણસ ત્યાંથી નીકળવામાં પણ ડર અનુભવે છે. બાજુબાજુમાં જ અનેક ખોલીઓ ખડકી દીધી હોવાથી પોલીસને કાર્યવાહીમાં પણ તકલિફ થતી હતી. છેલ્લા 12 થી 15 વર્ષમાં દોઢ લાખ સ્કવેર મીટરની સરકારી જમીન પર ઘૂસણખોરોએ દબાણ કર્યુ હતુ. જેના પર હવે બુલડોઝર ફરી વળ્યુ છે અને સમગ્ર વિસ્તારને સાફ કરી દેવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલના જણાવ્યા મુજબ વર્ષ 2022માં ગુજરાતમાં ચાર અલકાયદા ઈન્ડિયા સબ કોન્ટીનેન્ટના આતંકવાદીને પકડવામાં આવ્યા હતા. જેની તપાસ NIA કરી રહી છે. જે બાદ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે જાણ્યુ કે JMB (જમાતે ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ) તઆતંકવાદીઓ ત્યાંની જેલમાંથી છૂટીને અહીં ચંડોળા તળાવમાં તેમનું નેટવર્ક ઉભુ કરવાની પ્રયાસો કરી રહ્યુ હતુ. જેમા અહીં વસતા ઘૂસણખોરો તેમને મદદગારી કરી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.

આ ઉપરાંત અનેક ડ્રગ્સના કેસ પણ આ વિસ્તારમાંથી સામે આવ્યા છે. છેલ્લા 6 મહિનામાં ગાંજા, MD ડ્રગ્સ , ચરસના કનેક્શન પણ ખૂલ્યા છે. અહીંથી ડ્રગ્સનું વેચાણ પણ થતુ હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. ડ્રગ્સનો મોટુ રેકેટ અહીંથી ચાલતુ હતુ. અત્યંત ગીચ વિસ્તાર બનાવી દેવાયો હોવાથી જ્યારે પણ કોઈ પોલીસ કે એજન્સીવાળા તપાસ માટે જાય તો ઘૂસણખોરો તેમને એલર્ટ કરી દેતા હતા. તેના કારણે જ કેસ ઉકેલવામાં અનેક અડચણો આવતી હતી.

પ્રોસ્ટીટ્યુશનનું રેકેટ પણ મોટા પ્રમાણમાં ચાલતુ હતુ. ગત વર્ષે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અહીં ચાલતા કૂટણખોરીના ધંધામાંથી બે સગીરાને મુક્ત કરાવી હતી. આજની કાર્યવાહી દરમિયાન પણ સામે આવ્યુ છે લલ્લુ બિહારી નામનો શખ્સ અહીં મોટાપાયે દેહવિક્રયનો ધંધો ચલાવતો હતો. જેમા ઘરકામ કરવાના બહાને બાંગ્લાદેશથી છોકરીઓને લાવવામાં આવતી હતી અને અહીં લાવીને તેમને દેહવિક્રયમાં ધકેલી દેવાતી હતી. ગેરકાયદે રીતે, કોઈ દસ્તાવેજ કે આધાર પૂરાવા વિના આવ્યા હોવાથી આ મહિલાઓ પરત જઈ શકે કે ફરિયાદ કરી શકે તેવી સ્થિતિમાં પણ રહેતી ન હતી અને તેનો જ લાભ લલ્લુ બિહારી મોટાપાયે લેતો હતો. જે બાંગ્લાદેશી યુવતીઓને પકડવામાં આવી છે તેમની પૂછપરછમાં પણ ખૂલ્યુ છે કે તેમને જોબની લાલચ આપીને લાવવામાં આવતી હતી અને અહીં લાવીને દેહવિક્રય કરાવાતો હતો. આ વિસ્તારમાં મોટાપાયે ગેરપ્રવૃતિઓ ચાલી રહી હતી અને વ્યાપ વધારે વિસ્તરે તે પહેલાજ તેને ડામવી જરૂરી હોવાથી આજની કાર્યવાહીને પ્લાનિંગ સાથે મોટાપાયે અંજામ આપવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:53 pm, Tue, 29 April 25