અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, જુઓ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ની ઝલક

|

Nov 05, 2022 | 10:28 PM

આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે, જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે, જે લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે. ચાલો જાણીએ આ કાર્યક્રમની સંપૂર્ણ માહિતી વિગતવાર.

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, જુઓ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ની ઝલક
Centenary festival of Pramukh swami Maharaj
Image Credit source: TV9 gfx

Follow us on

અમદાવાદમાં નજીકના ભવિષ્યમાં ક્યારેય ન જોયો હોય તેવો મહોત્સવ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવ જોઈ આખા વિશ્વની આંખો અંજાઈ જશે.અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે. લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર સ્વ. પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે. પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર, 2022થી 15 જાન્યુઆરી, 2023 સુધી એક મહિના દરમ્યાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ આપવા આ મહોત્સવમાં ઊમટશે. આ કાર્યક્રમ માટે છેલ્લા ઘણા મહિનાઓથી કામ ચાલી રહ્યુ છે. સમાજનો દરેક વ્યક્તિ આ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.

આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે, જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે, જે લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે. ચાલો જાણીએ આ કાર્યક્રમની સંપૂર્ણ માહિતી વિગતવાર.

પ્રમુખસ્વામી મહારાજ નગર


એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવ્યુ છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’ બની રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઊઠશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

મહોત્સવ સ્થળના કેટલાક આકર્ષણો

કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વારો

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ માટે કુલ 7 કલામંડિત સાંસ્કૃતિક પ્રવેશદ્વારોની રચના કરવામાં આવી છે, જે મહોત્સવ સ્થળે પધારતા સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. સરદાર પટેલ રીંગ રોડ પરથી પ્રમુખસ્વામી મહારાજ નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર જોઈ શકાય છે, જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે. આ પ્રવેશદ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર સંતોની યાદ અપાવે છે. મહોત્સવ સ્થળની બંને બાજુએ એક વિશાળ પાર્કિંગ હશે, જેમાંથી ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં પ્રવેશ કરાવતાં અન્ય છ પ્રવેશદ્વાર પણ કળા-કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂના રૂપ છે. 116 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવતા આ દરેક પ્રવેશદ્વાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ વ્યક્તિત્વ અને જીવનરેખાની સ્મૃતિઓ કરાવશે.

પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય સ્મારક પ્રતિમા


નગરમાં પ્રવેશતાં જ એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીઠિકા પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા સૌને આકર્ષશે. આ પ્રતિમાની આસપાસના વર્તુળમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની જીવન ગાથા પ્રદર્શિત છે.

ભવ્ય અક્ષરધામ મહામંદિર


નગરની મધ્યમાં દિલ્હી ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે રચેલા ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની વિશાળ પ્રતિકૃતિ રચવામાં આવી છે. 67 ફૂટ ઊંચા આ વિશાળ અક્ષરધામ મંદિરમાં ભગવાનના વિવિધ સ્વરૂપોનાં દર્શન-પ્રાર્થના કરી શકાશે.

બાળકો માટે સાંસ્કૃતિક બાળનગરી

‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં બાળકો માટે 17 એકરમાં ફેલાયેલી વિશિષ્ટ બાળનગરી રચવામાં આવી છે, જ્યાં બાળકો સંસ્કાર, શિક્ષણ, સેવા અને આરોગ્યની પ્રેરણા લઈને આનંદ અને ઉત્સાહથી છલકાશે. આ બાલનગરીના ત્રણ ખંડો દ્વારા બાળકો માતપિતાના અનંત ઉપકાર અને સૌને આદર આપવાની પ્રેરણા મેળવશે, પ્રાર્થના અને પુરુષાર્થ દ્વારા સફળતાના પાઠ દૃઢ કરશે, વાર્તા દ્વારા સ્વવિકાસના પાઠ શીખશે.અહીં બાળકો માટે નૃત્ય અને સંગીતથી ભરપૂર પ્રેરક કાર્યક્રમો પણ યોજાશે. આ બાળનગરી બાળ સ્વયંસેવકો દ્વારા સંચાલિત થશે. અહીં વિવિધ કાર્યક્રમોમાં જે બાળકો જોડાવાના છે તેમના અભ્યાસની પણ નિષ્ણાતો દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે.

વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શન ખંડો

 

પ્રમુખસ્વામી મહારાજ નગરના મધ્ય માર્ગની બંને બાજુએ પાંચ પ્રદર્શનોની અનોખી પ્રસ્તુતિઓ છે. આ પ્રદર્શન ખંડો આપણા શાશ્વત મૂલ્યોની પ્રેરણા આપશે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવનઘડતર, પારિવારિક શાંતિ, વ્યસનમુક્તિ અને રાષ્ટ્ર સેવા વગેરેની રોમાંચક પ્રસ્તુતિઓ દ્વારા દર્શનાર્થીઓ અહીં પ્રેરણાથી હર્યાભર્યા બનશે.

ટેલેન્ટ શો

મહોત્સવ સ્થળે બાળકો-યુવાનોની શક્તિઓને ખીલવતા વિવિધ ટેલેન્ટ શો પણ યોજાશે. તે માટે અલગ અલગ બે મંચ રચવામાં આવ્યા છે. અહીં વ્યક્તિગત અને સમૂહગાન, શાસ્ત્રીય અને સુગમ સંગીત, વાદ્યસંગીત, યોગ પ્રસ્તુતિ તેમજ વિવિધ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને બાળકો-યુવાનો-યુવતીઓ સૌને આનંદની સાથે કળા-કૌશલ્યની તેમજ સાંસ્કૃતિક પ્રેરણાઓ આપશે. લગભગ 150થી વધુ બાળકો-યુવકો આ રજૂઆત માટે છેલ્લા 3 મહિનાથી તાલીમ લઈ રહ્યા છે.

મહિલા મંચ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ

મહોત્સવ સ્થળે મહિલા ઉત્કર્ષની અનેકવિધ ગતિવિધિઓ માટે ‘મહિલા ઉત્કર્ષ મંડપમ્’ રચવામાં આવ્યો છે, જ્યાં સતત એક મહિના સુધી મહિલા ઉત્કર્ષના ભાતીગળ કાર્યક્રમો, પરિષદો તેમજ રજૂઆતો થશે. મહિલાઓ, યુવતીઓ, બાલિકાઓ દ્વારા રજૂ થનાર આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને ભારત અને વિદેશના અનેક મહિલા મહાનુભાવો કાર્યક્રમને શોભાવશે.

લેન્ડસ્કેપ


અનેકવિધ પર્યાવરણ સેવાઓ કરનાર પ્રમુખસ્વામી મહારાજે પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણથી લઈને અનેકવિધ જનજાગૃતિ અભિયાનો યોજ્યાં હતાં. એટલે જ તેઓના શતાબ્દી મહોત્સવમાં વૃક્ષો અને રંગબેરંગી ફૂલછોડની આકર્ષક બિછાત બિછાવવામાં આવી છે. તેની પૂર્વ તૈયારી રૂપે 3 એકર જમીનમાં એક નર્સરી તૈયાર કરવામાં આવી છે. આ મહોત્સવમાં આસામથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત તેમજ ભારતના વિભિન્ન પ્રદેશમાંથી ફૂલ-છોડ લાવવામાં આવ્યા છે. ફૂલ-છોડના વિકાસ માટે ટપક સિચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

યજ્ઞપુરુષ સભાગૃહમાં વિવિધ કાર્યક્રમો


પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ યજ્ઞપુરુષ સભાગૃહ રચવામાં આવ્યો છે, જ્યાં એક મહિના સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંતો-મહંતો, વક્તાઓ, મહાનુભાવો વગેરે દ્વારા પ્રેરણાદાયી, ચિંતનશીલ પ્રવચનો, ભક્તિમય સંગીત અને અન્ય હૃદયસ્પર્શી રજૂઆતોથી મંચ ગુંજી ઊઠશે.

લાઈટ એન્ડ સાઉન્ડ શો

મહોત્સવ સ્થળના વિવિધ આકર્ષણોમાં એક મહત્ત્વનું આકર્ષણ હશે – લાઈટ એન્ડ સાઉન્ડ શો. મહોત્સવ સ્થળની રાત્રિ આ લાઈટ એન્ડ સાઉન્ડ શો સૌને અનોખો આનંદ આપશે. 300 કરતાં વધારે બાળકો-યુવાનોની રંગારંગ પ્રસ્તુતિ દ્વારા અહીં સંદેશ આપવામાં આવશે – પારિવારિક એકતા, સેવા અને પરોપકારનો.આ ઉપરાંત, વૈદિક યજ્ઞ કુટિર, અખંડ ભજન કુટિર, રક્તદાન યજ્ઞ વગેરે જેવી વિવિધ આધ્યાત્મિક અને સેવા-પ્રવૃત્તિઓ અહીં અનોખો રંગ જમાવશે.

જ્યોતિ ઉદ્યાનની રંગબેરંગી પ્રેરણાત્મક રચના

મહોત્સવ સ્થળના કેન્દ્રમાં અક્ષરધામ મહામંદિરની ચારે તરફ સુશોભિત એક અનુપમ થીમેટિક પાર્ક દરેકની આંખોને રંગબેરંગી રચનાઓથી ઠારશે. એ છે જ્યોતિ ઉદ્યાન. આ એક એવો ઉદ્યાન છે, જ્યાં દિવસ કરતાં રાત વધુ સોહામણી હશે. અહીં અલગ અલગ પ્રકારનાં ફૂલો, પ્રાણીઓ, પક્ષીઓની ભાતીગળ જ્યોતિર્મય રચનાઓ, બોધકથાઓ, સંસ્કૃતિ અને શાસ્ત્રોનો શાશ્વત સંદેશ આપશે. આ જ્યોતિ ઉદ્યાન મહોત્સવ સ્થળનું એક અનુપમ આકર્ષણ કેન્દ્ર બની રહેશે.

સંતો અને સ્વયંસેવકોનું સેવા-બલિદાન

પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ પ્રેમથી પોતાનું જીવન સમર્પિત કરનારા 1100 થી વધુ સુશિક્ષિત સંતોનો વિશાળ સમુદાય અને કુલ 70 હજારથી વધુ સ્વયંસેવકો આ મહોત્સવ દરમ્યાન રાત-દિવસ સેવા આપશે. કુલ 45 જેટલા વિભાગ દ્વારા આ મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ પ્રાંતોમાંથી આવેલા વિવિધ શૈક્ષણિક અને સામાજિક ભૂમિકાઓ ધરાવતા આ હજારો સ્વયંસેવકો, ભક્તો-ભાવિકો તેમજ સંતો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની એક કરોડરજ્જૂ સમાન છે, જેઓએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો વિરાટ યજ્ઞ કરીને સેવા-સમર્પણનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમાંના કેટલાક સ્વયંસેવકો છેલ્લા 1 વર્ષ કે 6 મહિનાથી વધુ સમય માટે મહોત્સવ સ્થળના નિર્માણમાં પોતાનું અનન્ય યોગદાન આપી રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ તમામ ધર્મોનું પ્રયાગ તીર્થ બનશે.શતાબ્દી મહોત્સવના ઉપક્રમે મહોત્સવ સ્થળે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની એકેડેમિક કોન્ફરન્સ-વિદ્વત્ પરિષદો યોજાશે, જેમાં ભાગ લઈને વિદ્વાનો વિવિધ વિષયો પર શોધ પ્રબંધો પ્રસ્તુત કરશે. અમદાવાદમાં આવનારા સમયમાં એવો ઐતિહાસિક મહોત્વ ઉજવાશે જે ઈતિહાસના પાને સ્વર્ણ અક્ષરે લખાશે.

Next Article